આવતા વર્ષે દિવાળીનો આનંદ ચાર જ દિવસ

આવતા વર્ષે દિવાળીનો આનંદ ચાર  જ દિવસ
કાળીચૌદશ અને દિવાળી એક જ દિવસે
 મુંબઈ, તા. 10 : આ વખતે દિવાળીના તહેવારોની સળંગ છ દિવસ ઉજવણી થઈ હતી. જોકે, વર્ષ 2019માં દિવાળીનો તહેવાર ચાર દિવસનો હશે.
વાઘબારસ અને ધનતેરસ એક જ દિવસે એટલે કે 25મી અૉક્ટોબરે હશે. 26મી અૉક્ટોબરે કોઈ જ તહેવાર નથી. કાળીચૌદશ અને દિવાળી એક જ દિવસે એટલે કે 27મી અૉક્ટોબરે હશે. બેસતું વર્ષ 28મી અૉક્ટોબર, સોમવારે છે. તેથી દિવાળીની રજા એક જ દિવસ મળશે. જ્યારે ભાઈબીજ 29મી અૉક્ટોબરે છે.
પ્રસિદ્ધ ખગોળ અભ્યાસુ અને પંચાંગકર્તા ડી. કે. સોમણના જણાવ્યા અનુસાર વર્ષ 2019 એ લીપયર નથી. તેથી તે વર્ષમાં 365 દિવસ હશે. તેથી બેસતું વર્ષ 11 દિવસ વહેલું આવશે. આવતા વર્ષે 17મી સપ્ટેમ્બરે એક જ અંગારક ચતુર્થી હશે. સોનાની ખરીદી માટે છઠ્ઠી જૂન, ચોથી જુલાઈ અને પહેલી અૉગસ્ટે ગુરુપુષ્યામૃત યોગ આવશે.
વર્ષ 2019માં લગ્નોત્સુકો માટે લગ્નનાં અનેક મુહૂર્તો છે. અૉગસ્ટ, સપ્ટેમ્બર અને અૉક્ટોબરને બાદ કરતાં અન્ય નવ મહિનામાં લગ્નનાં મુહૂર્તો છે. ત્રણ સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ છે. 16મી જુલાઈએ ખંડગ્રાસ અને 26મી ડિસેમ્બરે કંકણાકૃતિ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે. વર્ષ 2019માં 11મી નવેમ્બરે બુધના ગ્રહનું અધિક્રમણ છે. જોકે, આ ખગોળીય ઘટના ભારતમાં નહીં દેખાય.
ભારતમાં આઠ વર્ષ પહેલાં એટલે કે 15મી જાન્યુઆરી, 2010ના દિવસે કંકણાકૃતિ સૂર્યગ્રહણ દેખાયું હતું. હવે વર્ષ 2019માં 26મી ડિસેમ્બર કંકણાકૃતિ સૂર્યગ્રહણ દક્ષિણ ભારતમાં દેખાશે. શેષ ભારતમાં તે ગ્રહણ ખંડગ્રાશ સ્થિતિમાં દેખાશે. મુંબઈમાં 85 ટકા સૂર્ય બિંબ ગ્રસિત દેખાશે જ્યારે દક્ષિણ ભારતમાં કોઈમ્બતુર, કન્નુર, કરુર, મેંગલોર અને ઉટકામંડ ખાતે સૂર્યગ્રહણ કંકણાકૃતિની સ્થિતિમાં દેખાશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer