ટીમ કોહલી અૉસ્ટ્રેલિયામાં ટેસ્ટશ્રેણી જીતી સર્જી શકે છે ઈતિહાસ

ટીમ કોહલી અૉસ્ટ્રેલિયામાં ટેસ્ટશ્રેણી જીતી સર્જી શકે છે ઈતિહાસ
2003-04માં સૌરવ ગાંગુલીની આગેવાનીમાં ટીમ શ્રેણી જીતવાની સૌથી નજીક પહોંચી હતી
 
નવી દિલ્હી, તા. 3 : ઓસ્ટ્રેલિયામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 6 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં વિરાટ કોહલી એન્ડ કંપનીનો દાવો મજબુત માનવામાં આવી રહ્યો છે. કહેવાઇ રહ્યું છે કે, ભારત આ વખતે ઓસ્ટ્રેલિયામાં પોતાની પહેલી ટેસ્ટ શ્રેણી જીતે તેવી સંભાવના છે. જો કે આ સંભાવના પાછળ કારણ પણ છે. કોહલીની કેપ્ટનશીપ હેઠળ 2014-15થી અત્યારસુધીમાં ભારતે 46માંથી 26 મેચ જીતી છે. આ દરમિયાન ભારતીય ટીમ ટેસ્ટમાં પહેલા નંબરની ટીમ બની હતી. તેમજ સ્થાનિક મેદાનમાં જોરદાર પ્રદર્શનના કારણે છેલ્લી 15માંથી 11 ટેસ્ટ મેચ જીતી છે. તેવામાં હવે ટીમ કોહલી પાસે 70 વર્ષ લાંબી રાહ પૂરી કરવાનો મોકો છે. 
જો કે ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમના પ્રદર્શનમાં ખાસ સુધારો આવ્યો નથી.  વિદેશી ધરતી ઉપર ભારતીય ટીમ માટે જીત ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે અને શ્રીલંકા તેમજ વિન્ડિઝને વિદેશ પ્રવાસમાં હરાવવા ઉપર દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ સામે પણ ભારતનું પ્રદર્શન સુધારાજનક હતું. ભારતે દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ સામે લડત આપી હતી પણ શ્રેણી નામે કરવામાં નિષ્ફળતા મળી હતી. ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતવી ભારત માટે મહત્ત્વની વાત બનશે કારણ કે વિદેશી ટીમોને મોટાભાગે ઓસ્ટ્રેલિયામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભારત છેલ્લા 11 પ્રવાસમાં ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતવામાં નાકામ રહ્યું છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં જીતની સૌથી નજીક 2003-04માં આવ્યું હતું. જેમાં સૌરવ ગાંગુલીની ટીમ સિડનીમાં જીત નજીક પહોંચી હતી પણ સ્ટિવ વો અને સાઈમન કેટિચની ભાગીદારીના કારણે ઓસ્ટ્રેલિયા હારથી બચી ગયું હતું અને શ્રેણી 1-1થી ડ્રો થઈ હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer