આઈસીઈએક્સમાં ડાયમંડ, સ્ટીલ-લોંગ સહિત રબરના ભાવમાં સુધારો

જ્યુટનો પાકતી તારીખનો ભાવ નિર્ધારિત

મુંબઈ, તા.3 : કૉમોડિટીઝ માર્કેટ નિયામક સેબીની કૉમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જોને એક પરિપત્રના અન્વયે અપાયેલી સૂચના મુજબ 31 ડિસેમ્બર 2018થી અમલી બને તે રીતે ટ્રાડિંગના સમયગાળામાં ફેરફાર કરાયો છે. જે મુજબએક્સચેન્જ પ્લેટફોર્મ્સ પર બિનકૃષિ ચીજોમાં વાયદાના કામકાજનો સમયગાળો સવારે 9થી રાત્રે 11.30 અને યુએસ ડે લાઇટ સાવિંગ્સના કિસ્સામાં રાત્રે 11.55 વાગ્યા સુધીનો રહેશે. (જે હાલમાં 8 માર્ચ 2019 સુધી અમલમાં છે). જયારે, કૃષિ અને એગ્રીપ્રોસેસ્ડ ચીજોમાં આ સમયગાળો સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધીનો રહેશે. વધુમાં, આઈસીઈએકસેએક પરિપત્ર મારફત 30 નવેમ્બરના રોજ પાકેલા જ્યુટ વાયદાના કોન્ટ્રેક્ટના પાકતી તારીખના ભાવ 100 કિલોદીઠ રૂા.4704.30 નિર્ધારિત કર્યા હોવાની જાહેરાત કરી હતી. 
દરમિયાન,એક્સચેન્જ પર શુક્રવારે મોડી રાત્રે પૂર્ણ થયેલા ટ્રાડિંગના સત્રમાં ડાયમંડ અને સ્ટીલ લોંગ સહિતની કૃષિ અને અન્ય કૉમોડિટીઝના કોન્ટ્રેક્ટસમાં રૂા.123.79 કરોડનું કુલ એકત્રિત ટર્નઓવર નોંધાયું હતું. સ્ટીલ લોંગના બધા કોન્ટ્રેક્ટસમાં મળીને 8500 મે.ટનના રૂા.29.13 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું અને કુલ એકત્રિત અૉપન ઇન્ટરેસ્ટ 3130 મે.ટનનો રહ્યો હતો. 

Published on: Tue, 04 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer