વેપારયુદ્ધની ચિંતા હળવી, સોનામાં તેજી

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 3 : ચીન અને અમેરિકા વેપારયુદ્ધને શાંત પાડવા માટે પરસ્પર જકાત ઘટાડાનો રસ્તો અપનાવશે તેવી વાતચીત થયા પછી સોનાના ભાવ એક મહિનાની ઊંચાઇ ઉપર પહોંચ્યા હતા. જી20 દેશોની બેઠક ગયા અઠવાડિયાના અંતે આર્જેન્ટિનામાં યોજાઇ હતી. બેઠકની બહાર ટ્રમ્પ અને ઝિનપિંગ વચ્ચે વાતચીત થઇ હતી. એમાં બન્ને દેશો એકબીજાના માલસામાન ઉપર લગાવેલી જકાત ક્રમશ: પાછી ખેંચશે તેવું નક્કી થયું હતુ. ન્યૂ યોર્કમાં સોનાનો ભાવ એ કારણે 1232 સુધી વધીને પછી આ લખાય છે ત્યારે 1229 ડૉલરના સ્તરે હતો.
હવે અમેરિકા અને ચીન વચ્ચે ટેન્શન હળવું થશે એવું જણાય રહ્યું છે. બન્ને દેશો આગામી 90 દિવસમાં ફરીથી બેઠક યોજીને જકાત મુદ્દે વિસ્તૃત ચર્ચા કરશે. એ માટે કરાર પણ થશે. ડૉલરના મૂલ્યમાં એ કારણે દબાણ સર્જાવાથી સોનામાં સુધારો હતો. ડૉલર વિશ્વની છ અગ્રણી કરન્સીઓ સામે નબળો પડયો હતો.
ચાર્ટની રીતે સોનામાં 1230 વટાવાય તો 1235 સુધીની શક્યતા બતાવાતી હતી. આ સ્તર વટાવાય તો 1260નું સ્તર સોનું જોઇ શકે છે. ફેડ દ્વારા નવા વર્ષમાં વ્યાજદર વધારાની સાઇકલ અટકાવવામાં આવે તો સોનાના ભાવમાં વર્ષના આરંભે ઝડપથી તેજી થઇ જાય તેવી શક્યતા નકારાતી નથી. રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનું 10 ગ્રામે રૂા. 225ના સુધારા સાથે રૂા. 31,575 હતું. મુંબઈમાં રૂા. 415 ઊંચકાઇને રૂા. 30,805 હતું. ચાંદી ન્યૂ યોર્કમાં 14.34 ડૉલર હતી. સ્થાનિકમાં એક કિલોએ રૂા. 600 વધી જતા રૂા. 36,800 અને મુંબઈમાં રૂા. 625 વધીને રૂા. 36,185 હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer