ક્રૂડ અૉઇલમાં ભડકો થતાં શૅરબજારોમાં તેજીને બ્રેક

ક્રૂડ અૉઇલમાં ભડકો થતાં શૅરબજારોમાં તેજીને બ્રેક
નિફ્ટી 10900ના સ્તરને જાળવી શક્યો નહીં
 
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : ચીન-અમેરિકાના ટ્રેડ વોરનું ટેન્શન તાત્પુરતું હળવું થવાથી એશિયન બજારોમાં 10 મહિનાનો સૌથી મોટો (માસિક) ઉછાળો આજે જોવાયો હતો. જેથી સ્થાનિક શૅરબજારનો અન્ડરટોન નરમ હોવા છતાં ટ્રેડ અંતે બજાર સુધરીને બંધ રહ્યુંy હતું. અઠવાડિયાના પ્રથમ સેશનમાં નિફ્ટી અગાઉના બંધ 10,876થી ઉપર 10,930 ખૂલીને 10,941ની ટોચેથી નીચે 10,845 સુધી ગયા પછી ટ્રેડિંગના અંત ભાગે થોડો સુધરીને માત્ર સાત પોઇન્ટના સુધારે 10,883 બંધ રહ્યો હતો. જ્યારે બીએસઈ સેન્સેક્ષ 47 પોઇન્ટ્સ વધીને 36,241ના સ્તરે બંધ રહ્યો હતો.
વૈશ્વિક બજારમાં ક્રૂડતેલના ભાવમાં અચાનક વધારો થવાથી સ્થાનિકમાં ઓએમસી કંપનીઓમાં નબળાઈ જોવાઈ હતી. જોકે, ગેઇલ-ઓએનજીસી વધ્યા હતા. આજે સુધારાની આગેવાની લેતા હિન્દુસ્તાન લીવરે 4.6 ટકાનો સુધારો દર્શાવતા શૅરનો ભાવ રૂા. 183ના સ્તરે બંધ આવ્યો હતો. ગ્લેક્સો સ્મિથ ક્લાઇન હોર્લિક્સ અને અન્ય ખાદ્ય ઉત્પાદનો ખરીદવાથી એચયુએલ બોર્ડની મંજૂરી લીધી હોવાથી ગ્લેક્સોનો ભાવ બીએસઈમાં 3.75 ટકા વધીને રૂા. 7542.25 બંધ આવ્યો હતો. બંને કંપનીઓ હવે જોડાણ કરીને વધુ નફાકાર બનવા સક્ષમ બની શકે છે. બીજી તરફ પ્રત્યાઘાતી ઉછાળે મેટલ શૅરોના ભાવ સુધાર્યા હતા. જ્યારે ઊર્જા શૅરો (જાહેર ક્ષેત્ર)માં ભાવ વધ્યા હતા. જોકે, ક્રૂડના ભાવવધારાને લીધે રૂપિયો પુન: દબાણના સંકેતથી ફાર્મા ક્ષેત્રના ભાવમાં ઘટાડો નોંધાનીય ગણાય.
આજે સુધરનાર અન્ય શૅરોમાં ઇન્ડસઇન્ડ બૅન્ક રૂા. 24, યસ બૅન્ક રૂા. 8, ગેઇલ રૂા. 13, અલ્ટ્રાટ્રેડ રૂા. 47, ટિસ્કો રૂા. 7 અને અદાણી પોર્ટમાં રૂા. 10 વધ્યા હતા. જ્યારે વ્યક્તિગત રીતે મારુતિ સુઝુકી રૂા. 118 સુધર્યો હતો.
આજે ઘટનાર શૅરોમાં મુખ્ય સન ફાર્મા 7 ટકા તૂટયો હતો. સેબીએ કંપનીમાં તપાસની શરૂઆત કરવાથી શૅરમાં ગભરાટભરી વેચવાલી જોવાઈ રહી છે. ફાર્મા અગ્રણી ડૉ. રેડ્ડીસ રૂા. 54 ઘટાડે હતો. અૉટો અગ્રણી એમ ઍન્ડ એમ રૂા. 29, હીરો હોન્ડા રૂા. 15, એચડીએફસી રૂા. 15, કોટક બૅન્ક રૂા. 8 જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં રૂા. 11નો ઘટાડો નોંધાયો હતો. એચસીએલ રૂા. 7 અને ઝી રૂા. 13 ઘટયા હતા.
આજના સ્થિર બંધ છતાં કેટલાક એનલિસ્ટો 10,800 ઉપર બમ્પર ટકવાને લીધે હવે 11,400ની સપાટીની આગાહી કરી રહ્યા છે. જોકે, અનુભવી જાણકારો બજારમાં અત્યારે અતિ સાવધાની ભર્યા વલણનો સંકેત હોવાનો દાવો કરે છે. એકાદ-બે નકારાત્મક બનાવોથી બજારમાં 300-400 પોઇન્ટના કરેક્શનની સંભાવના નકારી શકાય નહીં એમ બ્રોકરો માને છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer