મજબૂત માગના પગલે નવેમ્બરમાં ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ 11 મહિનાની ટોચે

મજબૂત માગના પગલે નવેમ્બરમાં ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ 11 મહિનાની ટોચે
રોજગાર ક્ષેત્રમાં અવિરત સુધારો

નવી દિલ્હી, તા.3 (પીટીઆઈ) : દેશમાં ઉત્પાદન ક્ષેત્રમાં કામકાજ નવેમ્બરમાં 11 મહિનાની ટોચે રહ્યું હતું, જેનું મુખ્ય કારણ માગ વધતા ઓર્ડરમાં વધારો હતું. નિક્કી ઇન્ડિયા મેન્યુફેકચરિંગ પર્ચેસિંગ મૅનેજર્સ ઈન્ડેક્સ (પીએમઆઈ) નવેમ્બરમાં 54 થયો છે, જે અૉક્ટોબરમાં 53.1 હતો. લગભગ એક વર્ષ બાદ આ મજબુત વૃદ્ધિ થઈ છે. 
ઉત્પાદન પીએમઆઈ સતત 16માં મહિને 50 પોઈન્ટ્સની ઉપર રહ્યો છે. 50 પોઈન્ટ્સની ઉપર પીએમઆઈ હોય તો તે વિસ્તરણનો સંકેત છે અને 50ની નીચે હોય તો ક્ષેત્રમાં સંકોચન દર્શાવે છે. આ પહેલા અૉક્ટોબર 2016માં ઉત્પાદન પીએમઆઈ સૌથી ઝડપે વધ્યો હતો, જે વખતે માગ મજબૂત હતી અને વેચાણ પણ નોંધપાત્ર થયું હતું. 
આ રિપોર્ટના લેખિકા અને આઈએચએસ માર્કિટના પ્રિન્સિપલ ઈકોનોમિસ્ટ પોલિયાના ડી' લિમાએ કહ્યું કે, ભારતના ઉત્પાદન ક્ષેત્રની પ્રગતિ અૉગસ્ટમાં ધીમી પડી હતી, તે પછી રિકવરી જોવા મળી છે અને નવેમ્બરમાં 11 મહિનાની ટોચને સ્પર્શી છે. નવા ઓર્ડર્સમાં વધારો અને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાણ વધ્યું હતું. બલ્ક ઓર્ડર મળતા નિકાસ પણ વધી હતી. 
લિમાએ ઉમેર્યું કે, રોજગારમાં પણ વધારો અવિરત જોવા મળ્યો છે. છ વર્ષમાં સૌથી ઝડપી દરે રોજગારમાં વધારો નોંધાયો છે. નવેમ્બરમાં માલનું વધુ ઉત્પાદન થતા રોજગાર નિર્માણ થઈ હતી. જોકે, અૉક્ટોબર પછી રોજગારમાં વૃદ્ધિ મંદ પડી છે તેમ છતાં છ વર્ષમાં સૌથી ઝડપી વેગે સુધારો થયો છે. 
બિઝનેસના સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે. ભારતીય ઉત્પાદકોની ધારણા છે કે આગામી એક વર્ષમાં બજારની પરિસ્થિતિમાં સુધારો થશે. આ વર્ષની શરૂઆતમાં માગ નબળી હતી કારણ કે ઉત્પાદન ભાવમાં વધારાને અનુલક્ષીને ગ્રાહકો ઓર્ડર આપતા નહોતા. માગને પહોંચી વળવા માટે તૈયાર માલનો ઉપયોગ કરતા ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો હતો. હવે બિઝનેસના સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે, પરિણામે વર્ષ 2019થી ઉત્પાદનમાં વધારો થવાના સંકેતો હોવાનું લિમાએ ઉમેર્યું હતું. 
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer