લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપની વ્યાખ્યા ધરાવતી

લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપની વ્યાખ્યા ધરાવતી
કંપનીઓને કેપિટલ ગેઇન ટૅક્સ ભરવો પડશે 
 
એલએલપી હેઠળ આવેલી કંપનીઓ ટ્રાન્સફરની વ્યાખ્યા હેઠળ : આઇએટીએનો દૂરગામી અસર કરતો ચુકાદો
 
મુંબઈ, તા.3 : ઇન્કમ ટૅક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (આઇટીએટી)એ તાજેતરમાં આપેલા એક મહત્ત્વના ચુકાદાથી વિદેશી રોકાણ આકર્ષવા માગતી હજારો કંપનીઓને તેમની વ્યૂહ રચનામાં ફેરફાર કરવો પડશે. લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ  (એલએલપી)માં રૂપાંતર કરનાર કંપનીના ભાગીદારો માટે આ ચુકાદો નકારાત્મક કહી શકાય, આઇટીએટીએ તેના ચુકાદામાં જણાવ્યું છે કે એલએલપી હેઠળ આવેલી કંપનીઓ ટ્રાન્સફરની વ્યાખ્યા હેઠળ આવી જતી હોવાથી તેમને કેપિટલ ગેઇન ટૅક્સ ભરવો પડશે. 
લગભગ એક દાયકા અગાઉ એલએલપીની વ્યવસ્થા અમલમાં આવી હતી , જેનો ઉદ્શે બિઝનેસ વધારવાનો અને ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટૅક્સ (ડીડીટી) ભર્યા વગર થયેલા નફાનું ભાગીદારોમાં મુક્તપણે ડિવિડન્ડ તરીકે વિતરણ કરવાનો હતો. હવે આઇટીએટીના ચુકાદાના કારણે તેમણે તેમના નફા અથવા ડિવિડન્ડની રકમનું વિતરણ ભાગીદારો વચ્ચે ડીડીટીની ચુકવણી સાથે કરવું પડશે. 
આ નવા ચુકાદાના કારણે અનેક કંપનીઓએ નવી વ્યૂહ રચના તૈયાર કરવી પડશે. જોકે, આ નિર્ણયના કારણે મુંબઈ વડી અદાલતના એ નિર્ણય સામે સવાલ ઊભો થશે જેમાં પાર્ટનરશિપ ફર્મનું કંપનીમાં રૂપાંતર `ટ્રાન્સફર' તરીકે ગણાય નહીં  અને તેમાં કોઇ ફેરવિચારને અવકાશ રહેતો નથી, એવો ચુકાદો આપવામાં આવ્યો હતો. 
વરિષ્ઠ  સી.એ.દિલીપ લાખાણીના જણાવ્યા મુજબ આઇટીએટીના આ નિર્ણયની દૂરગામી અસર થશે, તે તમામ પેન્ડિંગ કેસિસને લાગુ પડશે અને સંખ્યાબંધ કેસિસ રી એસેસમેન્ટ અને રિવિઝન અૉફ અૉર્ડર માટે કોર્ટમાં જશે. 
ટ્રિબ્યુનલના ચુકાદા અનુસાર બૂક વેલ્યુના આધારે થયેલી ટ્રાન્સફર ઉપર કોઇ કેપિટલ ગેઇન ટૅક્સ લાગુ નહીં પડે. જોકે, અનેક બિઝનેસ હાઉસ તેમની અસ્ક્યામતોનું મૂલ્યાંકન બુક વેલ્યુ કરતાં ઊંચું કરે છે જેથી એલએલપી હેઠળ બેલેન્સશિટ તગડી દાખવી શકાય. તે ઉપરાંત, ભંડોળ મેળવવા, વિદેશી મૂડી આકર્ષવા તેમ જ પાર્ટનરની નેટવર્થ ઊંચી દર્શાવવા માટે પણ એલએલપીનો માર્ગ પસંદ કરવામાં આવે છે. 
આઇટીએટીના નિર્ણયમાં ઓર એક મહત્ત્વની બાબત એ છે કે જો એલએલપી હેઠળની કંપની કોઇ વેરો ભરવામાં નિષ્ફળ જાય તો તેની જવાબદારી એલએલપીના અનુગામી ઉપર રહેશે, આ શરતથી અનેક એલએલપી માટે મુશ્કેલી ઊભી થઇ શકે, એમ લાખાણીએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer