કુર્લા પ્લૉટ : વિપક્ષોએ આક્રમક બનીને શિવસેનાના નેતાઓનાં રાજીનામાં માગ્યાં

પ્લૉટ પાછો ન મળે તો સભાગૃહ ન ચલાવવાની ધમકી
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : કુર્લાના ગાર્ડન માટે અનામત રખાયેલા 2000 ચોરસ મીટરના પ્લોટને અતિક્રમણોને લીધે પ્રાપ્ત કરી શકાય એવો નથી એવો ઠરાવ સભાગૃહમાં મંજૂર કરીને પ્લોટ ગુમાવવાના મુદ્દે વિરોધ પક્ષો સમાજવાદી પાર્ટી, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ આક્રમક બની ગયા છે. આ પક્ષોએ કહ્યું હતું કે જો આ મુદ્દે તેર તારીખ સુધી આ મંજૂર કરાયેલો પ્રસ્તાવ પાછો સભાગૃહમાં નહીં આવે તો અમે સભાગૃહ નહીં ચલાવવા દઈએ અને અમારું યુદ્ધ શેરીમાં લઈ જઈશું. આજે પાલિકાના પ્રેસરૂમમાં પત્રકાર પરિષદને સંબોધતાં પાલિકાના વિરોધ પક્ષના નેતા રવિ રાજા, રાષ્ટ્રવાદી કૉંગ્રેસનાં ગટનેતા  રાખી જાધવ અને સમાજવાદી પાર્ટીના નેતા રઈસ ખાને શિવસેનાને અલ્ટીમેટે આપતાં કહ્યું હતું કે સ્થાયી સમિતિમાં શિવસેનાના નેતાઓએ ખાતરી આપી હતી કે આ પ્લોટ પાછો મેળવવા તમામ પ્રયત્નો કરાશે.
આ ત્રણે નેતાઓએ કહ્યું હતું કે આ બાબતની તપાસ થવી જોઈએ. લાગતાવળગતા સામે પગલાં લેવાં જોઈએ.
આ અંગે શિવસેનાનાં ગૃહનેતા વિશાખા રાઉતે પણ સ્વીકાર્યું હતું કે અમારી ભૂલ થઈ છે. શિવસેનાના નગરસેવક અનંત નરે સભાગૃહમાં સુધારો પક્ષની પરવાનગી વગર મૂક્યો હતો. અમે કમિશનરને તેની વિશેષાધિકાર સત્તાનો ઉપયોગ કરીને દરખાસ્ત પાછી મોકલવાની વિનંતિ કરી છે. માટે એવો સુધારો કર્યો હતો કે આ પ્લોટમાં અતિક્રમણ થયાં હોવાથી એ પાછો મેળવી શકાય એમ નથી.
ગાર્ડન માટે આરક્ષિત રખાયેલો કુર્લાનો પ્લૉટ વિવાદમાં સપડાયો છે. મહાનગરપાલિકાના સભાગૃહમાં આશરે 4 કરોડની કિંમતની 21,283 સ્ક્વેર ફૂટ જમીનને ગ્રહણ કરવાના પ્રસ્તાવને શિવસેનાના વિરોધ બાદ અટકાવાયો છે.
સભાગૃહમાં બેઠેલા ભાજપના નગરસેવકોના મૌન વચ્ચે વિપક્ષે આનો જોરદાર વિરોધ કરતાં વૉકઆઉટ કર્યો હતો. જોકે એ દરમિયાન મેયરે પ્રસ્તાવ અટકાવવા માટેના બહુમતના આધારે એને લીલી ઝંડી દેખાડી દીધી હતી. ત્યાર બાદ ભાજપ, કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ આ મુદ્દે મુખ્ય પ્રધાન ફડણવીસના હસ્તક્ષેપની માગણી કરી છે.
કુર્લામાં 1978 મીટરનો પ્લૉટ ગાર્ડન માટે આરક્ષિત રખાયો છે. જમીનમાલિકે 2017ના વર્ષમાં એને ગ્રહણ કરવા માટે બીએમસી (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન)ને નોટિસ મોકલી હતી. એ પ્રક્રિયા મુજબ બીએમસીએ જરૂરી કાર્યવાહી કરીને સુધાર સમિતિની મંજૂરી લીધી હતી, પરંતુ સભાગૃહમાં શિવસેનાના અનંત નરેએ એ પ્રસ્તાવ અટકાવવાની માગણી કરી હતી. અનંત નરે જણાવ્યું કે એ પ્લૉટ પર અસંખ્ય ઝૂંપડાં ઊભાં છે અને એ ઍરપોર્ટને અડીને આવ્યાં હોવાથી એનો વિકાસ પણ થઈ શકે એમ નથી. બીએમસી પાસે એ ઝૂંપડાવાસીઓ માટે વૈકલ્પિક ઘર પણ ઓછાં છે એટલે એ પ્લૉટ ગાર્ડન માટે મોકળો ન કરી શકાય.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer