રીંગણાંના કિલોના 20 પૈસા!

અહમદનગર, તા. 3 (પીટીઆઇ) : રીંગણાંના કિલોદીઠ માંડ 20 પૈસા જેટલો ભાવ મળતો હોવાથી રોષે ભરાયેલા મહારાષ્ટ્રના એક ખેડૂતે તેના ખેતરમાં રીંગણાંના ઊભા પાકનો નાશ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. 
અહમદનગર જિલ્લાના રાહતા તાલુકાના સાકુરી ગામના ખેડૂત રાજેન્દ્ર બાવકેએ નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મારા ખેતરમાં બે લાખ રૂપિયા ખર્ચીને મેં સારા ભાવ મળવાની આશાએ રીંગણાંનો પાક લેવાનું નક્કી કર્યું હતું, પરંતુ મારા આટલા રોકાણ અને દિવસ-રાતની મહેનતના મને માંડ 65,000 રૂપિયા જ અૉફર થયા હતા. રીંગણાંના આટલા તળિયે ગયેલા ભાવ સાંભળીને રોષે ભરાયેલા આ ધરતીપુત્રએ રવિવારે પોતાના ખેતરમાં જઈને રીંગણાંના તમામ છોડ મૂળ સાથે ઉખેડીને ખેતરની બહાર ફેંકી દીધા હતા. આજે ગુસ્સો ઠંડો પડયા બાદ આ હતાશ ખેડૂતે કહ્યું હતું કે મારી બે એકરની ટૂંકી જમીનમાં મેં સારી આશાએ રીંગણ વાવ્યાં હતાં અને ડ્રિપ ઇરિગેશન માટે ખેતરમાં પાઇપ બિછાવ્યા હતા. વધુ પાકની આશાએ મેં રોકાણ કરવામાં પાછું વાળીને જોયું નહોતું અને આધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને ફર્ટિલાઇઝર્સ અને પેસ્ટિસાઇઝર્સનો પણ ભરપૂર ઉપયોગ કર્યો હતો. લગભગ બે લાખ રૂપિયાનું આંધણ કર્યા બાદ મને માત્ર 65,000 રૂપિયાની અૉફર થઈ હતી. મેં મહારાષ્ટ્રના નાશિક અને ગુજરાતમાં સુરતની જથ્થાબંધ માર્કેટમાં રીંગણ વેચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કિલોના 20 પૈસાથી વધુ આપવા કોઈ તૈયાર નહોતું. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer