કાંદાના ખેડૂતની દયનીય સ્થિતિ, ખર્ચ તો ન નીકળ્યો, ઉપરથી ઘરના પૈસા ગયા

સાતારા, તા. 3 : સાડાચારસો કિલો કાંદા વેચીને ટ્રાન્સપોર્ટના અને હમાલીના પૈસા ચૂકવ્યા બાદ સાતારાના એક ખેડૂતના હાથમાં એકેય રૂપિયો નહોતો આવ્યો, ઊલટાનું વેપારીને ખેડૂતે ખિસ્સામાંથી પાંચ રૂપિયા આપવાનો વારો આવ્યો હોવાથી રામચંદ્ર જાધવ નામના ખેડૂતની આંખમાંથી આંસુ દદડી પડયાં હતાં.
રામચંદ્ર જાધવ મોટી અપેક્ષાથી રવિવારે સવારે વહેલો ઊઠીને સાતારા કૃષિ ઉત્પન્ન બાજાર સમિતિમાં 450 કિલો કાંદા લઈને આવ્યો હતો, પણ આખો દિવસ પસાર થયો હોવા છતાં તેના કાંદા વેચાયા નહોતા. ત્યાર બાદ કાંદાના વેપારીને કાંદા વેચતાં રામચંદ્ર ડુસકે-ડુસકે રડી પડ્યો હતો. ટ્રાન્સપોર્ટેશન અને હમાલીના પૈસા બાદ કરતાં તેના હાથમાં એક રૂપિયો નહોતો આપ્યો, પણ ખિસ્સામાંથી પાંચ રૂપિયા વેપારીને આપવાના આવ્યા હોવાનું સાંભળીને જાણે રામચંદ્રના શરીરમાંથી જીવ નીકળી ગયો હતો. ખાલી હાથે તેણે ઘરે પાછા જવું પડયું હતું.
રામચંદ્રએ 444 કિલો કાંદા વેચ્યા હતા, જેના તેને 399.60 રૂપિયા મળ્યા હતા. મોટરનું ભાડું 360 રૂપિયા અને હમાલીના 44.60 રૂપિયા મળી 404 રૂપિયા તેણે ચૂકવ્યા હતા એટલે કાંદા વેચીને ઘરે ગયેલા ખેડૂતે સામેથી પાંચ રૂપિયા ચૂકવવા પડ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer