મરાઠા આરક્ષણ સામે હાઈ કોર્ટમાં આખરે અરજી થઈ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : મરાઠા આરક્ષણના કાયદા વિરુદ્ધ મુંબઈ હાઈ કોર્ટમાં આજે અરજી દાખલ થઈ હતી. રાજ્ય સરકારે 50 ટકાથી ઉપર આરક્ષણ જાહેર કર્યું એ સુપ્રીમ કોર્ટના આદેશના ઉલ્લંઘન સમાન છે. એકાદ સમાજને 16 ટકા આરક્ષણ આપવું એ સંવિધાનના નિયમ વિરુદ્ધ હોવાનું કહીને ઍડ્વોકેટ ડૉ. ગુણરત્ન સદાવર્તેએ પિટિશન દાખલ કરી હતી, એટલે હવે સરકારે મરાઠા આરક્ષણ માટે કોર્ટમાં લડાઈ લડવી પડશે.
હાઈ કોર્ટમાં સરકાર વતી આ કેસ સુપ્રીમ |કોર્ટના સિનિયર કાઉન્સેલ એડ્વૉકેટ હરિશ સાળવી લડશે.
ઍડ્વોકેટ સદાવર્તેએ આજે સવારે એ પિટિશન હાઈ કોર્ટના રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરી હતી. તેમને કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી લૉગઇન-નંબર (અપીઆઇએલ-નંબર 34280-2018) પણ મળી ગયો છે. જોકે એ પ્રકરણની સુનાવણી કોની ખંડપીઠ સમક્ષ થશે એ જોવાનું રહેશે, કારણ, હાઈ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ નરેશ પાટીલની ખંડપીઠ બુધવારે ન્યાયાલયીન કામકાજ માટે ઉપલબ્ધ હશે.
હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ
મરાઠા આરક્ષણનો વિરોધ થશે એની જાણ હોવાથી પિટિશનર વિનોદ પાટીલે 30 નવેમ્બરે જ મુંબઈ હાઈ કોર્ટમાં અને રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં આજે 3 ડિસેમ્બરે કેવિયેટ દાખલ કરી હતી. એનો અર્થ આરક્ષણના વિરોધમાં કોઈ પણ અરજી રજૂ થશે તો વિનોદ પાટીલ અને રાજ્ય સરકારને સાંભળ્યા સિવાય કોર્ટ કોઈ નિર્ણય લેશે નહીં.
મરાઠા આરક્ષણનો વિરોધ
29 નવેમ્બરે વિધાનમંડળમાં મરાઠા આરક્ષણ ખરડો મંજૂર થયા બાદ રાજ્યપાલને સહી કરાવવા માટે એ તાત્કાલિક મોકલવામાં આવ્યો હતો. રાજ્યપાલે એ ખરડા પર સહી કર્યા બાદ 1 ડિસેમ્બરથી રાજ્યમાં મરાઠા આરક્ષણ કાયદો લાગુ થયો છે. એ કાયદા મુજબ મરાઠા સમાજને શૈક્ષણિક અને સરકારી નોકરીઓમાં 16 ટકા આરક્ષણ મળશે. જોકે ડૉ. સદાવર્તેએ એ ખરડાને નકારવાની વિનંતી કરતો પત્ર રાજ્યપાલને મોકલ્યો હતો, પણ રાજ્યપાલે સહી કરી દીધી હોવાથી સદાવર્તેએ આજે હાઈ કોર્ટના રજિસ્ટ્રારને અરજી આપી હતી.
કોણ છે અરજદાર ગુણરત્ન સદાવર્તે ?
ઍડ્વોકેટ ડૉ. ગુણરત્ન સદાવર્તે મૂળ નાંદેડના વતની છે અને હાલમાં મુંબઈ રહે છે. તેમણે અગાઉ મરાઠા આરક્ષણ, 154 પીએસઆઇ નિયુક્તિ પ્રકરણ, આંગણવાડી સેવિકા જેવી અનેક અરજીઓનાં કામ જોયાં છે. મરાઠા આરક્ષણ પ્રકરણમાં સદાવર્તેને 18 જેટલી ધમકીના ફોન આવ્યા હોવાથી તેમણે 1 ડિસેમ્બરે ભોઈવાડા પોલીસ-સ્ટેશને ફરિયાદ નોંધાવી  હતી. રોહિત વેમુલા પ્રકરણમાં તપાસની માગણી કરતી અરજી પણ સદાવર્તેએ હૈદરાબાદ હાઈ કોર્ટમાં કરી હતી. મુંબઈમાં પરેલના ક્રિસ્ટલ પ્લાઝામાં લાગેલી આગમાં અનેક લોકોના જીવ બચાવનારી ઝેન સદાવર્તે એ ગુણરત્ન સદાવર્તેની દીકરી છે. સદાવર્તેએ દિવ્યંગત્વ પર માત મેળવીને ડિગ્રી કૉલેજની પદવી મેળવી છે, એટલું જ નહીં, તેમણે પીએચડી પણ પૂરું કર્યું છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer