57 વર્ષ સભ્ય રહ્યા બાદ ઓપેકથી છેડો ફાડશે કતાર

દોહા તા. 3: પેટ્રોલિયમના નિકાસકાર દેશોના સંગઠન (ઓપેક)માંથી આગામી જાન્યુઆરીથી પોતે નીકળી જઈ રહ્યાનું જણાવનાર કતાર જો કે ઓપેકની ચાલુ સપ્તાહની બેઠકમાં તે હાજરી આપનાર છે, તેમ જ તેમાંના વચનોનું પાલન કરશે. લિક્વિફાઈડ નેચરલ ગેસ (એલએનજી)ના વિશ્વના ટોચના નિકાસકાર તરીકેના પોતાના સ્થાનને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાને આ નિર્ણય લીધાનું દોહા જણાવે છે.
ઓપેકમાં ખનિજ તેલ ઉત્પાદનની દૃષ્ટિએ સૌથી નાનો દેશ કતાર, 57 વર્ષથી તેની સાથે સંકળાયેલો રહ્યો છે.  સંગઠનના વાસ્તવિક વડા સાઉદી અરેબિયા સાથે  કતારને રાજદ્વારી તકરાર થઈ હતી, પરંતુ ઓપેક છોડવાનું તેનું પગલું રાજકારણથી પ્રેરાઈને નથી લેવાયાનું તે જણાવે છે. (સાઉદી અરેબિયાના પ્રતિ દિન 11 મિલીઅન બેરલના ઉત્પાદન સામે કતારનું 6 લાખ બેરલનું રહ્યું છે) પ્રતિ વર્ષ 77 મિલીઅન ટનના ઉત્પાદન સાથે દોહા વૈશ્વિક  એલએનજી બજારમાં વગદાર ખેલાડી રહ્યું છે.
દરમિયાન ઓપેક અને  (રશિયા સહિતના) તેના સાથી દેશો આ સપ્તાહની બેઠકમાં, ઓકટોબરથી આજ સુધીમાં ખનિજ તેલના આશરે 30 ટકા જેટલા નીચા ગયેલા ભાવના ટેકામાં,  તેલપુરવઠામાં કાપ મૂકવા સંમત થવા ધારણા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer