કાયદો કે વટહુકમ આવશે તો વિપક્ષી સાંસદો તેનું સમર્થન કરશે, વિહિપે કરેલો દાવો

પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 3 : વિશ્વ હિન્દુ પરિષદે (વિહિપ) એવો દાવો કર્યો હતો કે, અયોધ્યામાં રામમંદિર નિર્માણ અંગે કાયદો કે વટહુકમ સંસદમાં આવશે તો વિપક્ષોના સાંસદો તેનું સમર્થન કરશે. આવું આ સાંસદોએ કહ્યું હોવાનું વિહિપે જણાવ્યું હતું.
વિહિપના આંતરરાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી ડૉ. સુરેન્દ્ર જૈને આજે અત્રે પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે, છેલ્લા કેટલાક મહિનાથી દેશમાં એક તોફાની વાતાવરણનું નિર્માણ થઈ ચૂક્યું છે. રામમંદિરના નિર્માણનો આજે કોઈ વિરોધ નહીં કરે એવું વાતાવરણ તૈયાર થઈ ગયું છે. મુસ્લિમો પણ કહી રહ્યા છે કે રામ તો અમારા માટે ઇમામે હિન્દ છે. રામમંદિરના નિર્માણ માટે જનજાગરણના ઉદ્દેશથી વિહિપના ત્રણ ચરણ પૂરા થઈ ગયા છે. પ્રથમ ચરણમાં રાષ્ટ્રપતિની, બીજા ચરણમાં રાજ્યોના રાજ્યપાલોની અને ત્રીજા ચરણમાં સાંસદોની મુલાકાત થઈ ગઈ છે.
ડૉ. જૈને જણાવ્યું હતું કે વિપક્ષો અને તેમના નેતાઓનાં નામ જાહેર કરવાની મનાઈ છે અને સમય પર તેની જાહેરાત કરાશે. `હું દાવા સાથે કહું છું કે, કોઈ પણ આવા ખરડાનો વિરોધ કરશે નહીં. 9 ડિસેમ્બરના રામલીલા મેદાનમાં ધર્મસભાની રૅલી પછી તમામ લોકો એમ કહેશે કે રામમંદિર બનવું જોઈએ. ડૉ. જૈને જણાવ્યું હતું કે, 9 ડિસેમ્બરના ધર્મસભા રૅલીમાં દિલ્હી અને એનસીઆર ક્ષેત્રોમાંથી લાખો લોકો આવશે. મુખ્ય વક્તા આરએસએસના સરકાર્યવાહ સુરેશ ઉર્ફે ભૈયાજી જોશી હશે. આ ઉપરાંત સ્વામી અવધેશાનંદ મહારાજ, સાધ્વી ઋતંભરા, વિહિપના અધ્યક્ષ વિષ્ણુ સદાશિવ કોકજે, કાર્યકારી અધ્યક્ષ આલોકકુમાર પણ હાજર રહેશે.
Published on: Tue, 04 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer