`મુખ્ય ન્યાયમૂર્તિ પર બાહ્ય અંકુશ હતો !''

અનેક ઉદાહરણો સામે આવતાં વિવાદી પત્રકાર પરિષદમાં જોડાયો હતો : જોસેફે કર્યો ધડાકો
 
નવી દિલ્હી, તા.3 : સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ કુરિયન જોસેફે એવો દાવો કર્યો છે કે, તત્કાલિન મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાને કોઈ બહારથી કંટ્રોલ કરી રહ્યું હોવાનું મને લાગ્યું હોવાથી 12 જાન્યુઆરીની સૌથી વિવાદી પત્રકાર પરિષદમાં ભાગ લીધો હતો. 
દીપક મિશ્રા મુખ્ય ન્યાયમૂર્તિ બન્યાના ચાર મહિનામાં જ એવું તો શું ખોટું થયું, તેવું પૂછતાં જોસેફે જણાવ્યું હતું કે, સર્વોચ્ચ અદાલતની કામગીરીમાં બહારના પ્રભાવોનાં અનેક ઉદાહરણ હતા, તેવું તેમણે ટાઈમ્સને આપેલી એક મુલાકાતમાં જણાવ્યું હતું. 
આ સાથે જ તેમણે અન્ય જસ્ટિસ પર કેસ ફાળવણીના મુદ્દા પર સવાલો ઉઠાવ્યા હતા. એક ઈન્ટરવ્યૂમાં કુરિયન જોસેફે તે વિવાદાસ્પદ પ્રેસ કોન્ફરન્સનો ઉલ્લેખ કર્યો હતો જેમાં જસ્ટિસ જે ચેલમેશ્વર અને જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ મદન બી લોકુર સાથે તેઓ હાજર રહ્યા હતા. 
જસ્ટિસ કુરિયન જોસેફે કહ્યું કે, `સુપ્રીમ કોર્ટનાં કામકાજ પર બહારના કેટલાક તત્ત્વોનો પ્રભાવ પડી રહ્યો હતો જેના અનેક ઉદાહરણો જોવા મળ્યા છે. જેમાં કેટલાક પસંદગીના જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટ તેમજ હાઈકોર્ટના કેટલાક જસ્ટિસની નિયુક્તિના નેતૃત્વ માટેની બેઠકો તેમજ કેસની ફાળવણી પણ સામેલ હતી. 
જોસેફે કહ્યું કે, `બહારની કોઈ વ્યક્તિ મિશ્રાને નિયંત્રિત કરી રહી હતી. અમને એવું લાગ્યું કે તેઓ અન્ય કોઈના સૂચનો પર ચાલી રહ્યા હોય તેથી જ અમે તેમને આ વિશે પૂછયું અને સુપ્રીમ કોર્ટની આઝાદી અને ગૌરવ જાળવી રાખવા માટે કહ્યું.'  
આ પ્રેસ કોન્ફરન્સમાં વિદ્રોહી જસ્ટિસ દ્વારા તત્કાલિન સીજેઆઈ દીપક મિશ્રાના કાર્ય પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રેસ કોન્ફરન્સમાં જસ્ટિસ એચ લોયાના સંદિગ્ધ મૃત્યુની તપાસ કરવાની એક અપીલની સુનાવણી પણ કરવામાં આવી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer