ઠાંસી-ઠાંસીને ભૂલકાં ભરેલી બસની પાછળની બારીનો કાચ તૂટયો

બે વિદ્યાર્થી રોડ પર પડી ગયા 
 
ઔરંગાબાદ, તા. 3 : મહારાષ્ટ્રની સ્કૂલોમાં બાળકોને રૂબેલા રસી આપવાનો કાર્યક્રમ યુદ્ધના ધોરણે હાથ ધરાયો છે ત્યારે ઔરંગાબાદમાં આ રસી મુકાવવા વિદ્યાર્થીઓને ભરીને આવેલી એક બસની પાછળની બારીનો કાચ ચાલતી બસે આકસ્મિક રીતે તૂટી જતાં બે વિદ્યાર્થી બસમાંથી રોડ પર પડી જવાની વિચિત્ર ઘટના સામે આવી છે. જોકે સદ્નસીબે બસની પાછળ કોઈ અન્ય વાહન પૂરપાટ નહોતું આવતું એથી કમનસીબ ઘટના નિવારાઈ હતી પરંતુ આ અકસ્માતથી બસમાં બાળકોની સુરક્ષા સામે ગંભીર સવાલ ઊભા થયા છે. 
મળતી માહિતી પ્રમાણે રાંજણગાવ શિવાજી હાઈ સ્કૂલના 122 વિદ્યાર્થીઓને 45ની ક્ષમતાવાળી બસમાં ઠાંસી-ઠાંસીને ભરવામાં આવ્યા હતા. ખોકડપુરા સ્કૂલમાં રૂબેલા રસી મુકાવ્યા બાદ આ બાળકો ભરેલી બસ પાછી જઈ રહી હતી એ વખતે નગરનાકા ખાતે પહોંચી ત્યારે અચાનક બસની પાછળના ઇમર્જન્સી એક્ઝિટની બારીનો કાચ તૂટી ગયો  અને ઓછી સ્પીડમાં જઈ રહેલી બસમાંથી બે વિદ્યાર્થીઓ રોડ પર પડી ગયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer