1250 રહેવાસીઓ અને ફક્ત એક જ ઈમર્જન્સી એક્ઝિટ !

1250 રહેવાસીઓ અને ફક્ત એક જ ઈમર્જન્સી એક્ઝિટ !
મહાલક્ષ્મી આગ દુર્ઘટના : સલામતી ધોરણોનો બિલ્ડિંગમાં સદંતર અભાવ
 
મુંબઈ, તા. 3 : મહાલક્ષ્મી રસકોર્સ નજીક કેશવરોડ પર આવેલી એસઆરએની 18 માળની બિલ્ડિંગના ત્રીજા માળે રવિવારે વહેલી સવારે ત્રણ વાગે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં એક મહિલાનું ગુંગળામણને કારણે મૃત્યુ થયું હતું. એસઆરસએની યોજના હેઠળ બાંધવામાં આવેલી બિલ્ડિંગમાં એક માળ પર 14 ફ્લેટ છે અને અંદાજે 1250 કરતા વધુ લોકો અહીં રહે છે. પરંતુ 18 માળના બિલ્ડિંગમાં પ્રત્યેક માળ પર ફક્ત એક જ ઈમરજન્સી ઍક્ઝિટ છે. આ એક્ઝિટ અને દાદરા એટલા સાંકળા છે કે એક જ વ્યક્તિ આબ-જાવ કરી શકે. બિલ્ડિંગમાં સલામતીના પગલાંનો અભાવ હોવાથી આગ દુર્ઘટના દરમિયાન માણસોને વધુ તકલીફ થઈ હતી. 
બિલ્ડિંગના 14 માં માળે રહેતા એક રહેવાસીએ કહ્યું હતું કે, બિલ્ડિંગમાં હવાની મુક્ત અવરજવરનો અભાવ હોવાથી ધુમાડો તાત્કાલિક ફેલાઈ ગયો હતો. હવાનું પરિવહન ન થતું હોવાથી લોકોને વધુ ગુંગળામણ થતી હતી. બધી જ જગ્યાએ ફસાઈ ગયા હોવાની અનુભુતિ થતી હતી. આ બિલ્ડિંગ એ ફક્ત ઊભી ઝૂંપડપટ્ટી છે. અમે ઝૂંપડામાં રહેતા હતા એ વધુ સારા હતા. બિલ્ડિંગના નામે અમને ફક્ત ઉલ્લુ બનાવવામાં આવ્યા છે. 
અગ્નિશમન દળના મુખ્ય અધિકારી પી એસ રહાંગડેએ કહ્યં હતું કે, બિલ્ડિંગમાં અગ્નિશમનની સુવીધા યોગ્ય નહોતી. સલામતીના કોઈપણ પગલાં લેવામાં આવ્યા નહોતા. દરેક માળ પરના ઈલેક્ટ્રીક બોર્ડને ખુલ્લું રાખવામાં આવ્યા હતા. તેમ જ તેની બાજુમાં ઘરવખરી મુકવામાં આવી હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી.  થોડાક સમય પહેલા બિલ્ડિંગોને નોટિસ મોકલવામાં આવી હોવા છતાં રહેવાસીઓ સાવચેતીના પગલાં લેવામાં નિષ્ફળ રહ્યાં હતાં. બિલ્ડિંગમાં સલામતીના પગલાંનો અભાવ હોવાથી સોસાયટી સામે ફરિયાદ નોંધવામાં આવશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer