બંજારા સમાજના કાર્યક્રમમાં ફડણવીસ અને ઉદ્ધવે એક મંચ પર રહી

બંજારા સમાજના કાર્યક્રમમાં ફડણવીસ અને ઉદ્ધવે એક મંચ પર રહી
એકમેકની પ્રશંસા કરી  

મુંબઈ, તા. 3 : મરાઠાઓને આરક્ષણ અપાયા પછી ભાજપ અને શિવસેના વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે. વાશિમમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન ફડણવીસ અને શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે એક મંચ ઉપર બિરાજ્યા હતા અને એકસાથે નગારું પણ વગાડયું હતું. બાદમાં બન્ને નેતાઓએ એકમેકની પ્રશંસા કરી હતી. સહુથી અગત્યની બાબત એ છે કે કાર્યક્રમના સ્થળે જતી વેળાએ મુખ્ય પ્રધાન ફડણવીસે પ્રોટોકોલને બાજુએ મૂકીને ઉદ્ધવ ઠાકરેની સાથે એક જ મોટરમાં પ્રવાસ કર્યો હતો.
વાશિમમાં બંજારા સંત સેવાલાલ મંદિર પરિસરમાં વિકાસકામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ઉદ્ધવ ઠાકરે અને બાલવિકાસ પ્રધાન પંકજા મુંડે સહિત આગેવાન ઉપસ્થિત રહ્યાં હતાં.
આખાય કાર્યક્રમમાં ઉદ્ધવ અને મુખ્ય પ્રધાન ફડણવીસ બન્નેએ એકમેકની પ્રશંસા કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ મરાઠા આરક્ષણ કાયદા લાગુ પાડવા બદલ મુખ્ય પ્રધાનને અભિનંદન આપ્યા હતા. તેના પ્રતિસાદ રૂપે ફડણવીસે `ઉદ્ધવ ઠાકરે અમારા માર્ગદર્શક છે' એમ કહીને મૈત્રીનો સેતુ બાંધ્યો હતો.
મુખ્ય પ્રધાને બંજારા ભાષામાં જ ભાષણની શરૂઆત કરીને ઉપસ્થિતોના મન જીત્યા હતા. સેવાલાલ મહારાજના વૈશ્વિક દરજ્જાનું સ્મારક બાંધવામાં આવશે. તેના માટે શેષ 100 કરોડ રૂપિયાની જોગવાઈ પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. બંજારા સંસ્કૃતિના જતન માટે અકાદમી સ્થાપવામાં આવશે, એમ મુખ્ય પ્રધાને ઉમેર્યું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer