સુરતના પાસના કન્વીનર અલ્પેશ કથિરિયાને રાજદ્રોહના કેસમાં જામીન

સુરતના પાસના કન્વીનર અલ્પેશ કથિરિયાને રાજદ્રોહના કેસમાં જામીન
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 3 : અમદાવાદ બાદ  સુરતના રાજદ્રોહના કેસમાં પાસના કન્વીનર અલ્પેશ કથિરિયાને લાજપોર જેલમાં રાખવામાં આવ્યો હતો. ત્યારે આજે સુરત કોર્ટ દ્વારા  અલ્પેશ કથિરિયાને જામીન મજૂર કરવામાં આવ્યા હતા. જેથી થોડા સમયમાં અલ્પેશ કથિરિયાને જેલમુકત કરવામાં આવશે. અલ્પેશને જામીન મળતા સુરતના પાસમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આજે અલ્પેશના ઘરે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. 
અલ્પેશના વકીલ યશવંત વાળાએ જણાવ્યું હતું કે અલ્પેશને રાજદ્રોહના કેસમાંથી 25 હજારના બોન્ડ અને અન્ય શરતો પર જામીન મળ્યા છે. અન્ય કેસમાં જામીન બાકી હોવાથી આવતી કાલ સુધીમાં તમામ કાયદાકીય પક્રિયા પૂર્ણ કરીને લાજપોર જેલમાંથી લાવવામાં આવશે. 
2015ના વર્ષમાં પાટીદાર અનામતનું આદોલન તેની ચરમસીમા પર હતું આ દરમિયાન રાજયભરમાં અલગ- અલગ વિસ્તારોમાં તોડફોડ અને અરાજકતા ફેલાઇ તેવા અનેક બનાવો બન્યા હતા. જેમાંની એક ઘટના સુરતના અમરોલી પોલીસ મથકની હદમાં બની હતી. જેમાં પાસના ગુજરાતના નેતા હાર્દિક પટેલ સહિતના પાસના આગેવાનો સામે રજિસ્ટર નં. 135-2015થી રાજદ્રોહનો ગુનો  નોંધાયો હતો. આ ગુનામાં હાર્દિક પટેલ, વિપુલ પટેલ અને ચિરાગ પટેલની અગાઉ ધરપકડ થઇ ચૂકી હતી.  જયારે અલ્પેશની ધરપકડ કોઇને કોઇ કારણોસર બાકી રહી ગઇ હતી. આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ હતી. રાજદ્રોહના ગુનામાં અલ્પેશ વોન્ટેડ  હોવા છતાં કેટલાક જાહેર કાર્યક્રમમાં તે જોવા મળ્યો હતો, આમ છતાં પોલીસ તેને પકડતી ન હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer