શરદ પવાર સાથેની મિટિંગ બાદ નારાયણ રાણે

શરદ પવાર સાથેની મિટિંગ બાદ નારાયણ રાણે
હવે વિપક્ષની પાટલીમાં બેસી જાય એવી શક્યતા
 
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 3 : ભાજપ અને શિવસેના લોકસભાની ચૂંટણી સાથે મળીને લડે એવા સંકેતોને પગલે નારાયણ રાણેએ હવે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ ભણી નજર દોડાવી છે. રાષ્ટ્રવાદીના વડા શરદ પવારે આજે કણકવલીમાં રાણેના નિવાસસ્થાનની મુલાકાત લેતા રાજકીય અટકળોએ વેગ પડક્યો છે.
શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેના દશેરાની રેલીમાંના વક્તવ્ય, તેમની અયોધ્યાની મુલાકાત, વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરપદે શિવસેનાના વિજય આવટીની વરણી અને શિવસેના દ્વારા જેનો વિરોધ થાય છે તે નાણાર રિફાઈનરીના પ્રકલ્પ માટે જમીન અધિગ્રહણ પડતા મૂકવાનો નિર્ણય - આ બનાવો બતાવે છે કે ભાજપ અને શિવસેના વચ્ચેના સંબંધોમાં સુધારો થઈ રહ્યો છે.
નારાયણ રાણે શિવસેના છોડયા પછી કૉંગ્રેસમાં જોડાયા હતા. બાદમાં કૉંગ્રેસ છોડયા પછી ભાજપના કવોટામાંથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. પરંતુ તેમના વર્ચસ હેઠળના મહારાષ્ટ્ર સ્વાભિમાની પક્ષનું અસ્તિત્વ જાળવી રાખ્યું છે.
નારાયણ રાણેએ અગાઉ જ જાહેરાત કરી હતી કે જો ભાજપ અને શિવસેના લોકસભાની ચૂંટણી સાથે મળીને લડશે તો હું ભાજપનો સાથ છોડી દઈશ.
શરદ પવાર ગઈકાલથી જ સિન્ધુદુર્ગ જિલ્લામાં છે. તેઓ તારકર્લીમાં રોકાયા હતા. તે સમયે રાણેએ તેમને ફોન કરીને `ઓમગણેશ' નિવાસસ્થાને આવવાનું આમંત્રણ આપ્યું હતું. પવાર તેમના ઘરે પહોંચ્યા ત્યારે નિતેશ રાણે પવારના સ્વાગત માટે દરવાજા ઉપર હાજર હતા.
નારાયણ રાણે કોંકણમાં રાજકીય વર્ચસ માટે જાણીતા છે. મે, 2014માં નરેન્દ્ર મોદીના જુવાળમાં તેમનો પુત્ર નિલેશ રાણેનો સિન્ધુદુર્ગની બેઠક ઉપર શિવસેનાના વિનાયક રાઉત સામે પરાભવ થયો હતો. રાણે આ વખતે ફરી પોતાનું વર્ચસ પ્રસ્થાપિત કરવા ઇચ્છુક છે.
રાણેએ થોડા દિવસ પહેલાં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ સિન્ધુદુર્ગમાં ઉમેદવાર રાખે નહીં તો તે તેની મોટાઈ છે. જો તે ઊભો નહીં કરે તો તેનાથી અમને જ ફાયદો છે. રાણેના આ વિધાનથી મહારાષ્ટ્ર સ્વાભિમાની પક્ષ લોકસભાની ચૂંટણી લડવા કૃતનિશ્ચય છે એ સ્પષ્ટ છે. તેના આધારે રાણે કોંકણમાં પોતાનું વર્ચસ યથાવત્ હોવાનું દેખાડવા માગે છે.
બીજું, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ વચ્ચે થોડાં સપ્તાહ પહેલાં લોકસભાની બેઠકોની વહેંચણી માટે ચર્ચા થઈ હતી. તેમાં રાષ્ટ્રવાદીએ પોતાની પાસે સિન્ધુદુર્ગની બેઠક માટે સક્ષમ ઉમેદવાર હોવાની રજૂઆત કરી હતી.
તેના પગલે નારાયણ રાણે હવે ભાજપ-શિવસેનાના સંબંધોમાં સુધારાના વલણને લીધે રાષ્ટ્રવાદી ભણી ઝૂકી શકે છે. રાષ્ટ્રવાદીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલ આ બેઠકને શુભેચ્છા મુલાકાત હોવાનું કહે છે. આમ છતાં આ મુલાકાતનો ચોક્કસપણે રાજકીય અર્થ છે.
વર્ષ 2019માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેના માટે રાણે કોંકણમાં વિશ્વાસ સભાઓ યોજી રહ્યા છે. તેમાં ભાજપ અને મોદીની ટીકા કરે છે. તેઓ રાષ્ટ્રવાદી ભણી ઝૂકે તો તેનાથી કૉંગ્રેસ વાંધો લે છે કે કેમ તે 
જોવાનું છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer