ગૌહત્યા મુદ્દે બુલંદશહર બળ્યું : તોફાનમાં પોલીસ અધિકારીની હત્યા

ગૌહત્યા મુદ્દે બુલંદશહર બળ્યું : તોફાનમાં પોલીસ અધિકારીની હત્યા
પોલીસનાં વાહન અને ચોકીમાં તોડફોડ : ઉશ્કેરાયેલા ટોળાને વિખેરવા પોલીસના ગોળીબાર સામે તોફાનીઓના પણ ભડાકા
 
બુલંદશહર, તા.3: કથિત ગૌહત્યાની શંકામાં ઉત્તરપ્રદેશનાં બુલંદશહેરમાં સ્થિતિ સ્ફોટક બની ગઈ છે અને વિરોધ પ્રદર્શનકારીઓએ તોફાને ચડીને એક પોલીસ ચોકી ઉપર હુમલો કરીને ભાંગફોડ મચાવી હતી. ટોળાને વેરવિખેર કરવાં માટે પોલીસે ગોળીબાર કરવાં પડયા હતાં અને સામે પક્ષે તોફાનીઓમાંથી પણ કોઈએ ગોળીબાર કર્યા હતાં. આ હિંસામાં એક પોલીસ ઈન્સ્પેક્ટરનું મૃત્યુ થઈ ગયું હતું.
કહેવાય છે કે સ્યાનાનાં એક ગામડાંનાં ખેતરમાં ગૌવંશનાં અવશેષો મળ્યા બાદ મામલો બિચક્યો હતો. જોતજોતામાં જ મોટી સંખ્યામાં લોકોનાં ટોળા એકત્ર થવા લાગ્યા હતાં અને આ ભીડને કાબૂમાં રાખવા માટે પોલીસ દોડી ગઈ હતી.
ગેરકાયદેસર કતલખાનું જ્યાં ચાલતું હોવાની આશંકા હતી તે સ્થળે પોલીસ પહોંચી ત્યારે દેખાવકારો અને પોલીસ વચ્ચે સ્થિતિ જાણે યુદ્ધનાં મેદાનમાં ફેરવાઈ ગઈ હતી. હજારોની ભીડને વિખેરવા માટે પોલીસે આખરે ગોળીબારનો આશરો લેવો પડયો હતો. જેને પગલે ટોળા ભડક્યા હતાં અને તોફાને ચડયા હતાં. પોલીસનાં ગોળીબારમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થઈ ગયા બાદ બેફામ બનેલા ટોળાએ એક પોલીસ ચોકીને નિશાન બનાવીને હુમલો અને પથ્થરમારો કર્યો હતે. જ્યાં પોલીસનાં એક વાહનને સળગાવી નાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચોકીની અંદર ઘૂસીને પણ તોફાનીઓએ ભારે તોડફોડ મચાવી દીધી હતી.  આ દરમિયાન પોલીસ અને તોફાનીઓ વચ્ચે સામસામા ગોળીબાર થયા હતાં. જેમાં પોલીસ ઈન્સ્પેક્ટર સુબોધકુમાર સિંહનું મૃત્યુ નીપજ્યું હતું. 
આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી હાલત થઈ ગઈ છે. પોલીસે વધુ દળો તૈનાત કરી દીધા છે અને મામલો વધુ વણસે નહીં તે માટે તકેદારીનાં પગલાંઓ લેવામાં આવ્યા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer