આરે કૉલોનીના ડુંગર પરની જંગલની આગ પાંચ કલાકે માંડ કાબૂમાં આવી

આરે કૉલોનીના ડુંગર પરની જંગલની આગ પાંચ કલાકે માંડ કાબૂમાં આવી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : ગોરેગામ (પૂર્વ)માં આરે કૉલોની પાસેના ડુંગર ઉપરના જંગલમાં આજે જબરદસ્ત આગ ફાટી નીકળી હતી. આ આગ ત્રણથી ચાર કિલોમીટર વિસ્તારમાં ફેલાઈ હતી.
અગ્નિશમન દળ દ્વારા પાંચ કલાકની જહેમત પછી આગને કાબૂમાં લઈ શકાઈ હતી. પાલિકાના સહાયક આયુક્ત કબરેએ જણાવ્યું હતું કે આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવશે. આગ જાણીબુઝીને લગાડવામાં આવી હોય એવી શક્યતા નકારી શકાય એમ નથી.
સૂત્રોએ જણાવ્યું હતું કે આગનું સ્થળ આરે કૉલોની અને સંજય ગાંધી નૅશનલ પાર્કની વચ્ચે આવેલું છે. અગ્નિશમન દળે પ્રારંભમાં જણાવ્યું હતું કે આગ મોટી છે, પરંતુ બાદમાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગને બુઝાવવા માટે અગ્નિશમન દળનાં સાત ફાયર એન્જિન અને દસ ટૅન્કરોને મોકલવામાં આવ્યાં છે. આગ ઝૂંપડાંઓમાં પ્રસરે નહીં એ મટે પગલાં ભરવામાં આવ્યાં છે.
સંજય ગાંધી નૅશનલ પાર્કના ડિરેક્ટર અનવર અહમદે જણાવ્યું હતું કે  ખાનગી સ્થાવર મિલકતમાં આગની શરૂઆત થઈ હતી. આ ખાનગી સ્થાવર મિલકતને સ્થાનિક લોકો રાહેજા પ્રૉપર્ટી તરીકે ઓળખે છે. સૂકા ઘાસમાં લાગેલી આગ જંગલમાં ફેલાય નહીં એ માટે વનરક્ષકો અને અન્ય અધિકારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે.
ઍનિમલ ઍક્ટિવિસ્ટ અને વાઇલ્ડ લાઇફ વૉર્ડન સુનીશ સુબ્રહ્મણ્યમે જણાવ્યું હતું કે આ પ્રકારની આગ સામાન્યપણે સૂકા ઘાસમાં શિયાળામાં લાગે છે. ઘાસ સુકાયા પછી તોફાની તત્ત્વો કેટલીક વાર એમાં આગ ચાંપતાં હોય છે.
Published on: Tue, 04 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer