ઘાટકોપર : હીરાના વેપારી રહસ્યમય રીતે લાપતા

મુંબઈ, તા. 4 : ઘાટકોપરના સત્તાવન વર્ષના હીરાના એક વેપારી ગયા બુધવારથી લાપતા છે. બનાવના દિવસે સાંજે તેઓ અંધેરીમાં એક મહિલાને મળવા માટે ઘરેથી નીકળી ગયા પછી પરત આવ્યા નથી. તેમના પરિવારે પોલીસને જણાવ્યું છે કે તેમના તરફથી કોઈ સંદેશો નથી અને આમાં `રમત' રમાયાની શંકા છે. જ્યારે પોલીસને ડાન્સ બારમાં કામ કરતી મહિલાઓ સાથેની તેની નિકટતા તેમના ગુમ થવાનું કારણ હોઈ શકે એવી શંકા છે.
પોલીસના જણાવ્યા મુજબ રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે પણ સંબંધિત હીરાના આ વેપારી અંધેરીમાં મહિલાને મળી પોતાની કારમાં વિક્રોલી તરફ ઉપડી ગયા હતા. તેમના ફોન પરથી માલૂમ પડયું કે અંધેરીથી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે તરફ  જઈ રહેલા આ વેપારીનો વિક્રોલી પર ફોન `સ્વીચ ઓફ્' થઈ ગયો હતો. પોલીસને શંકા છે કે કારમાં તેમની સાથે અન્ય કોઈ બીજું હોવું જોઈએ. તેમના ફોન પરથી માહિતી મળી છે કે તેઓ બારમાં કામ કરતી મહિલાઓ સાથે સંપર્કમાં હતા અને અવારનવાર તે બારની મુલાકાત પણ લેતા હતા એમ પોલીસે જણાવ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer