નાના વેપારીઓને મળશે રાહત

દિલ્હી, તા. 4 : સરકાર નાના વેપારીઓને ચૂંટણીના વર્ષમાં વધુ એક ભેટ આપશે. જે નાના વેપારીઓ ડિજિટલ પેમેન્ટ કરશે તેનો બધો ખર્ચ સરકાર ઉપાડશે. અર્થાત્ નાના વેપારીઓ જે પણ પેમેન્ટ સ્વાઈપ મશીન, પીઓએસ, ઓનલાઈન કે બૅન્કના માધ્યમથી કરશે તેના પર જે ચાર્જ લાગશે તે સરકાર ભોગવશે. આ યોજનાનો ખરડો તૈયાર થઈ ગયો છે. બૅન્કો સાથે વાતચીત કર્યા બાદ તેની ઘોષણા કરવામાં આવશે.
સૂત્રોએ આપેલી માહિતી મુજબ, નાના વેપારીઓની હંમેશાં ફરિયાદ હોય છે કે સ્વાઈપ મશીન, પીઓએસ, ઓનલાઈન કે બૅન્કના માધ્યમથી કરવા પડતાં ટ્રાન્ઝેક્શન પર વધારે ચાર્જ લાગે છે અને તેના કારણે તેમને મુશ્કેલી પડે છે. નાણાપ્રધાનનાં સૂત્રોએ આપેલી માહિતી મુજબ આ યોજનાનો ખરડો તૈયાર કરવામાં આવ્યો છે. નાના વેપારીઓ જે પણ ટ્રાન્ઝેક્શન કરશે તે ભોગવવા માટે ભંડોળ નક્કી કરવામાં આવશે. વેપારીઓના ટર્નઓવરના આધારે ટ્રાન્ઝેક્શન ચાર્જ કેટલો ભોગવવો તે રકમની સીમા નક્કી કરવામાં આવશે. વેપારીઓ જ્યારે પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરશે ત્યારે તેની બધી માહિતી બૅન્કો પાસે આવી જશે. પછી બૅન્ક દ્વારા તે ભોગવવામાં આવશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer