તેલંગણા વિધાનસભા ચૂંટણી : કર્ણાટકમાં ઘુવડો પર આફત

તેલંગણા વિધાનસભા ચૂંટણી :  કર્ણાટકમાં ઘુવડો પર આફત
બેંગલુરુ, તા. 4 : કર્ણાટકના કુલબુર્ગી જિલ્લામાં પોલીસે તેલંગણાની બોર્ડરને સ્પર્શતા સેદામ તાલુકામાંથી છ લોકોની ઇન્ડિયન ઈગલ આઉલની ચોરીના આરોપમાં ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન આ આરોપીઓએઁ ઘુવડોની ચોરીનું જે કારણ જણાવ્યું તેનાથી પોલીસકર્મીઓ પણ અચંબામાં પડી ગયા છે. ગેરકાયદે જંગલી જાનવરોને પકડનારા લોકોએ કહ્યું હતું કે પડોશી રાજ્ય તેલંગણામાં ચૂંટણી લડી રહેલા રાજનેતાઓએ આ પક્ષીઓનો અૉર્ડર આપ્યો હતો. વાસ્તવમાં, આ અંધશ્રદ્ધાળુ નેતાઓ આ ઘુવડોની મદદથી પોતાના હરીફોના ગુડલકને બેડલકમાં બદલી નાખવા માગે છે.
આરોપીઓની યોજના હતી કે તેઓ દરેક ઘુવડને 3-4 લાખ રૂપિયામાં વેચશે. ઘણી વાર કાળા જાદુ માટે ઘુવડોને મારી પણ નખાય છે અને તેમના શરીરનાં અંગો જેમ કે માથું, પાંખ, આંખો, પગ હરીફ ઉમેદવારના ઘર સામે ફેંકી દેવાય છે જેથી તેઓ વશ થાય કે પછી તેમને ચૂંટણીમાં પરાજયનો સામનો કરવો પડે. કર્ણાટકના પક્ષીપ્રેમીઓના મતે તેલંગણામાં વિધાનસભા ચૂંટણી છે, જેના કારણે અનેક ઘુવડો પર ખતરો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer