મલાડમાં આજે હવાની ગુણવત્તા જોખમી?

મલાડમાં આજે હવાની ગુણવત્તા જોખમી?
મુંબઈ, તા. 4 : મુંબઈની હવાની ગુણવત્તાના ગઈકાલના નિર્દેશાંકમાં શહેરની હવાને એકંદરે ખરાબ દરજ્જાની દર્શાવાઈ હતી જ્યારે બોરીવલી, મલાડ, અંધેરી, બીકેસી અને મઝગાંવ - આ પાંચ સ્થળે હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ હોવાનું `સફર' નામની પ્રણાલીએ નોંધ્યું હતું.
શહેરનો સરેરાશ ગુણવત્તા નિર્દેશાંક આજે પણ 264 અર્થાત ખરાબ રહેવાનો અંદાજ હોઈ મલાડમાં હવાની ગુણવત્તા જોખમી ઠરી શકે છે એવો અંદાજ સફર દ્વારા વ્યક્ત કરાયો છે. આ નિર્દેશાંક 409 સુધી થઈ શકે છે કારણ કે મલાડમાં ઠેરઠેર બાંધકામો ચાલુ છે અને તેનું પરિણામ હવા પર થઈ શકે છે.
સ્થાનિક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો હવાની ગુણવત્તાને નિયંત્રણમાં લાવી શકાશે એવો અંદાજ છે. ગઇકાલે બોરીવલીમાં પીએમ (પાર્ટિકલ મેટર) 2.5 એટલે કે અતિ ખરાબ નોંધાઈ હતી. અહીં ગુણવત્તા નિર્દેશાંક 316 હતો. સૌથી ખરાબ હવા મલાડમાં જણાઈ હતી. અહીં પીએમ 2.5 અને ગુણવત્તા નિર્દેશાંક 389 રહ્યો હતો. જ્યારે ચેમ્બુરમાં ખરાબ અને ભાંડુપ, કોલાબા તથા વરલીમાં મધ્યમ કક્ષાની હવા હોવાનું સફર પ્રણાલી દ્વારા દર્શાવાયું હતું. આ પહેલાં મઝગાંવની હવા (બે અઠવાડિયા પૂર્વે) જોખમી બની ગયાનું જણાવાયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer