10 ટકા પાણીકાપ ચાલુ રહેશે

10 ટકા પાણીકાપ ચાલુ રહેશે
મુંબઈ, તા. 4 : મુંબઈગરાએ આગામી ચોમાસા સુધી પાણીકાપનો સામનો કરવો પડશે કેમ કે ગયા મહિને યોજાયેલી પાલિકાની સમીક્ષા બેઠકમાં શહેરમાં લાગુ કરેલો 10 ટકા પાણીકાપ જૂન 2019 સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
જોકે, તેમાં વધારો કરવાની પણ સંભાવના નથી. પાલિકાએ જણાવ્યું હતું કે શહેરને જૂનના અંત સુધી ચાલે તેટલો પાણીનો સંગ્રહ છે. 10 ટકાનો પાણીકાપ 15 નવેમ્બરથી સત્તાવાર રીતે લાગુ કરાયો હતો. અત્યારે શહેરને પીવાનું પાણી પુરવનારાં સાત તળાવોમાં ફક્ત 69 ટકા પાણી બચ્યું છે.
પાલિકાના ચીફ એન્જિનિયર (હાઈડ્રોલિક) અશોક તવડીયાએ કહ્યું હતું કે `અમારા લેટેસ્ટ રિપોર્ટ મુજબ 10 ટકા પાણીકાપની સ્થિતિ યથાવત્ રહેશે. એક અન્ય વરિષ્ઠ અધિકારીના જણાવવા મુજબ વધુ પાણીકાપ લાદવાનો નિર્ણય કમિશનર કરી શકે છે. અમારી માસિક સમીક્ષાને આધારે કમિશનર નિર્ણય લેશે. જોકે, અત્યારે વધુ પાણીકાપની કોઈ જરૂરત જણાતી નથી.
શહેરનાં સાત તળાવોમાં ગઈકાલ સુધી 9.9 લાખ મિલિયન લિટર (69 ટકા) પાણી હતું. જેનું પ્રમાણ 2017માં અંદાજે 12.19 લાખ મિલિયન લિટર (86 ટકા) હતું. આ પાણી આશરે 213 દિવસ માટે અર્થાત જૂનના અંત સુધી પૂરતું થઈ રહેશે. પાલિકા પાણીની જરૂરિયાતની ગણતરી 1 અૉક્ટોબરથી જૂનના અંત સુધીના 335 દિવસ માટે કરે છે.
દરમિયાન એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે અત્યારે પાલિકા અને રાજ્ય વચ્ચે વધારાના પાણીપુરવઠા માટે કોઈ પત્રવ્યવહાર થયો નથી અને તેવો કોઈ પણ નિર્ણય માસિક સમીક્ષા બાદ જ લેવામાં આવશે.
આગામી ચોમાસું બેસવા સુધી જળસંગ્રહ કરવા ઉપરાંત પાલિકા શહેરમાં લીકેજ અને પાઈપ રીપેર કરવા પાછળ પણ રૂા. 35.71 કરોડ ખર્ચ કરશે. આ કાન્ટ્રેક્ટ નવ મહિનાનો રહેશે અને તેની દરખાસ્ત સ્થાયી સમિતિની આગામી બેઠકમાં રજૂ કરવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer