નૅશનલ ચેમ્પિયન ખેલાડી ટ્રેનમાં ટૉઈલેટ પાસે બેસીને મુસાફરી કરવા મજબૂર

નૅશનલ ચેમ્પિયન ખેલાડી ટ્રેનમાં ટૉઈલેટ પાસે બેસીને મુસાફરી કરવા મજબૂર
એક ગોલ્ડ સહિત પાંચ પદક જીતી પરત ફરેલી રેસલર ટીમની ટિકિટ જ કન્ફર્મ નહોતી
 
મુંબઈ, તા. 4 :  દેશમાં ઘણી વખત ક્રિકેટ સિવાય અન્ય રમતોમાં ખેલાડીઓને પુરતું પ્રોત્સાહન ન મળતું હોવાનો મુદ્દો ઉઠે છે. આ મુદ્દાને ફરી એક વખત અમુક અંશે સાચો ગણાવતી એક ઘટના સ્થાનિક ટૂર્નામેન્ટમાં બની હતી. જેમાં મહારાષ્ટ્રના રેસલર ઉત્તરપ્રદેશના ગોંડાના નંદિનીનગરમાં આયોજીત નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા પહોંચ્યા હતા. ચેમ્પિયનશિપ પુરી થયા બાદ જ્યારે પહેલવાન પોતાના ઘરે પરત ફર્યા ત્યારે ટ્રેનના ટોયલેટ પાસે બેસીને મુસાફરી કરવાની ફરજ પડી હતી. આ ખેલાડીઓ નેશનલ ચેમ્પિયનશિપમાં એક ગોલ્ડ સહિત કુલ 5 પદક જીતીને પરત ફરી રહ્યા હતા.
ખેલાડીઓની રિટર્ન ટિકિટ સાકેત એક્સપ્રેસમાં હતી. પરંતુ જ્યારે ખેલાડીઓ રેલવે સ્ટેશને પહોંચ્યા. ત્યારે ખબર પડી કે તેમની ટિકિટ કન્ફર્મ થઈ નથી. ખેલાડીઓએ આ બાબત ટીસીને કહી હતી અને મદદ માગી હતી. જો કે ટીસીએ મદદ કરવાની વાત તો દૂર રહી ખરીખોટી સંભળાવી દીધી હતી.  અંતે જનરલ કોચમાં ટોયલેટ પાસે બેસીને તમામ ખેલાડીઓ પરત ફર્યા હતા. આ ખેલાડીઓની ટીમમાં મહિલા રેસલર પણ હતી જેઓને પણ યાત્રા દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. ફૈઝાબાદથી મુંબઈ સુધી સફર કરવામાં 30-35 કલાકનો સમય લાગ્યો હતો.  બીજી તરફ રેસલીંગ ફેડરેશનના અધિકારીઓ પ્લેન અથવા સાકેત એક્સપ્રેસમાં જ આરામથી પોતાના મુકામે પહોંચ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer