અંધેરી-વિરાર વચ્ચે સ્લો લાઈન પર દોડશે 15 ડબાની ટ્રેનો

મધ્ય રેલવેમાં પણ યોજના 
 
પશ્ચિમ રેલવેમાં 14 સ્ટેશનોનાં 31 પ્લૅટફૉર્મનું 70 કરોડમાં વિસ્તરણ
 
મુંબઈ, તા. 4 : પશ્ચિમ રેલવે પરાં વિભાગમાં સૌથી વધુ ગિરદી અંધેરી અને વિરાર સ્ટેશનો વચ્ચે વધી રહી છે એને ધ્યાનમાં રાખીને આ સ્ટેશનો વચ્ચે સ્લો કોરિડોરમાં 15 ડબાની વધુ ટ્રેનો દોડાવવાની યોજના છે. ડિસેમ્બર-2019થી સંભવત: અંધેરી-વિરાર વચ્ચે 15 ડબાની ટ્રેનો દોડતી થશે.
અંધેરીથી માંડીને વિરાર સુધી બધાં સ્ટેશનો ખાતે બધા પ્લૅટફૉર્મની લંબાઈ વધારવામાં આવશે. એવી જ રીતે મધ્ય રેલવેએ પણ કલ્યાણથી આગળ 15 ડબાની ટ્રેનો દોડાવવાનો પ્રસ્તાવ રેલવે બોર્ડને મોકલ્યો છે. કલ્યાણથી ખોપોલી અને કર્જત વચ્ચે તબક્કાવાર 15 ડબાની ટ્રેનો દોડાવવાની યોજના બનાવાઈ રહી છે.
પશ્ચિમ રેલવેમાં 15 ડબાની પ્રથમ ટ્રેન સેવા નવેમ્બર, 2009થી શરૂ થઈ હતી અને હાલ એમાં રોજ 54 ટ્રેન
સેવાઓ છે.
મધ્ય રેલવેમાં 15 ડબાની પ્રથમ ટ્રેન અૉક્ટોબર, 2012માં શરૂ કરવામાં આવી હતી ત્યાં રવિવાર છોડીને રોજ 16 ટ્રેન સેવાઓ દોડે છે. ત્યાં કલ્યાણથી આગળ 15 ડબાની ટ્રેન દોડતી નથી.
હાલ સીએસએમટીથી પ્લૅટફૉર્મ નં.7થી 15 ડબાની ટ્રેન રવાના થાય છે અને તે કલ્યાણ સુધી દોડાવાય છે. એ પછી કર્જત અને કસારાની દિશામાં 15 ડબાની ટ્રેનો દોડાવવા પ્લૅટફૉર્મની લંબાઈ પૂરતી નથી. આથી ત્યાં 12 ડબાની ટ્રેનો જ દોડે છે.
પ્રથમ તબક્કામાં કર્જત લાઈન પર કામ કરવામાં આવશે. આ રૂટ પર અંબરનાથ અને બદલાપુર જેવાં મુખ્ય સ્ટેશન છે. એ બાદ કસારા રૂટ પર કામ થશે. જ્યાં ટિટવાલા અને આસનગાંવ જેવાં મુખ્ય સ્ટેશન છે. 15 ડબાની ટ્રેનને સેમિ ફાસ્ટ રૂટ પર દોડાવાશે. આ ટ્રેનો સીએસએમટીથી થાણે વચ્ચે ફાસ્ટ અને એ બાદ સ્લો લાઈન પર દોડાવાશે.
2015, ડિસેમ્બરમાં રેલવે બોર્ડે મધ્ય અને પશ્ચિમ રેલવેને 15 ડબાની ટ્રેનો દોડાવવાની યોજના બનાવવાનું સૂચન કર્યું હતું. પરાં વિભાગમાં વધતી જતી ગિરદીના ઉકેલરૂપે 15 ડબાની વધુ ટ્રેનો દોડાવવાની યોજના છે.
રેલવેપ્રધાન પીયૂષ ગોયલે પણ આ બન્ને રેલવેને 12 ડબાની ટ્રેનોને 15 ડબામાં બદલવાની યોજના બનાવવા જણાવ્યું હતું.
પશ્ચિમ રેલવેમાં હાલ 15 ડબાની ટ્રેનો માત્ર ફાસ્ટ કોરિડોર પર દોડે છે.
અંધેરીથી વિરાર વચ્ચે સતત પ્રવાસીઓ વધતા રહ્યા હતા ત્યાં 15 ડબાની ટ્રેન દોડાવાતાં પ્રવાસવહન ક્ષમતા 25 ટકા જેટલી વધારી શકાશે. જોકે મુંબઈ સેન્ટ્રલથી ચર્ચગેટ વચ્ચેનાં સ્ટેશનો પર પ્લૅટફૉર્મની લંબાઈ વધારવી શક્ય નથી. આથી ત્યાં 15 ડબાની ટ્રેનોને સ્ટોપ આપી શકાય નહીં. આ ઉપરાંત ખાર, માટુંગા રોડ, માહિમ અને બાન્દ્રા સ્ટેશનો પર પણ કંઈક સમસ્યા છે.
મધ્ય રેલવેનાં ડિવિઝનલ રેલવે મૅનેજર (ડીઆરએલ) એસ. કે. જૈને જણાવ્યું હતું કે સીએસએમટીના પ્લૅટફૉર્મ નંબર પાંચ અને છની લંબાઈ પણ વધારી રહ્યા છીએ જેથી 15 ડબાની વધુ સેવાઓ માટે જગ્યા કરી શકાય. પ્રારંભમાં ફાસ્ટ કોરિડોર પર 15 ડબાની વધુ ટ્રેનો દોડાવાશે. આ ઉપરાંત ટ્રાન્સહાર્બર પર પણ 15 ડબાની ટ્રેન દોડાવવાની સંભાવના તપાસાઈ રહી છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવીન્દ્ર ભાકરે જણાવ્યું હતું કે અમે પ્લૅટફૉર્મનાં વિસ્તરણનું કામ શરૂ કરી દીધું છે. જેથી હાલની માળખાકીય સવલતોને પણ શિફટ કરવી પડશે. 14 સ્ટેશનોનાં 31 પ્લૅટફૉર્મનું વિસ્તરણ થશે. આ કામ માટે 70 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જેનો લાભ અંધેરીથી દહિસર - વિરારના પ્રવાસીઓને મળશે. આ કામ ડિસેમ્બર, 2019 સુધીમાં પૂરું થવાની શક્યતા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer