કાંદાના ગગડેલા ભાવથી વ્યથિત રાજ્યના ખેડૂતો

વડા પ્રધાને અહેવાલ મગાવ્યો
 
નાશિકના ખેડૂતે નરેન્દ્ર મોદીને મનીઅૉર્ડર મોકલ્યો છે

મુંબઈ, તા. 4 (પીટીઆઈ) : કાંદાના ગગડી ગયેલા ભાવને કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને તેમની આ સમસ્યાને વાચા આપવા એક ખેડૂતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેની કાંદાની ક્ષુલ્લક આવકનું મનીઓર્ડર મોકલતાં વડા પ્રધાને તેની નોંધ લઈને આ બાબતનો વિગતવાર અહેવાલ મોકલવા મહારાષ્ટ્ર સરકારને જણાવ્યું છે, એમ સરકારના એક અધિકારીએ આજે જણાવ્યું હતું.
નાશિક જિલ્લાના નિફાડ તહેસીલના સંજય સાઠે નામના આ ખેડૂતે રવિવારે એવો દાવો કર્યો હતો કે તેને તેના 750 કિલોગ્રામ કાંદાના માત્ર 1064 રૂપિયા ઉપજ્યા હતા. એટલે કે પ્રતિ કિલો માંડ દોઢ રૂપિયાથી પણ ઓછો ભાવ મળ્યો હતે. આથી નિરાશ થયેલા સાઠેએ એ રકમનો મનીઓર્ડર વડા પ્રધાનને કર્યો હતો. તેમણે વડા પ્રધાનના ડિઝાસ્ટર રીલીફ ફન્ડમાં આ પૈસા મોકલ્યા હતા.
નાશિકના કાર્યવાહક નિવાસી કલેકટર શશિકાંત માંગરુલેએ જણાવ્યું હતું કે કેન્દ્ર વતી અમને રાજ્ય સરકારે નાશિક જિલ્લામાં કાંદા ઉત્પાદન અંગેનો વિગતવાર અહેવાલ અને મનીઓર્ડર કરનારા ખેડૂતની આર્થિક સ્થિતિ અંગેની માહિતી મોકલવા જણાવ્યું છે.
મનીઓર્ડર મોકલવાનો મારો આશય અમારા ખેડૂતોની હાલત અને હતાશા વ્યક્ત કરવાનો જ હતો, એમ સાઠેએ જણાવ્યું હતું. દેશમાં કાંદાના કુલ ઉત્પાદનમાંથી 50 ટકા નાશિક જિલ્લામાં થાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer