ખાડીના રસ્તે ક્રૂડની નિકાસ બંધ કરી દેવા ઈરાનની ધમકી

તહેરાન, તા. 4 :  અમેરિકાએ ઈરાન ઉપર લાદેલા પ્રતિબંધો બાદ હવે ઈરાન તરફથી ખાડીના માર્ગે વેપાર બંધ કરાવી દેવાની ધમકી સામે આવી છે. ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ ચેતવણીભર્યા શબ્દોમાં કહ્યું હતું કે, અમેરિકાને ખ્યાલ હોવો જોઈએ કે ઈરાનથી ક્રૂડની નિકાસ તે રોકી શકે તેમ નથી.  તેમજ જો અમેરિકા ક્રૂડની નિકાસ રોકવાનો પ્રયાસ કરશે તો ફારસની ખાડીમાંથી જ ક્રૂડની નિકાસ બંધ થઈ જશે. હવે જો ઈરાન ખરેખર ખાડીના માર્ગે વેપાર અટકાવવાનું પગલું ભરશે તો અમેરિકા સાથે ઘર્ષણની સ્થિતિ પણ સર્જાય શકે છે. કારણ કે ખાડીના દેશો આ માર્ગે મોટાપ્રમાણમાં ક્રૂડની નિકાસ કરે છે. 
ખાડી દેશોમાં બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરબ અને યુએઈ સામેલ છે. જો ઈરાન ફારસની ખાડીમાં વેપાર રસ્તો રોકશે તો સાઉદી અરબથી થતો વ્યાપાર પણ પ્રભાવિત થશે.  વર્તમાન સમયે સાઉદી દુનિયાભરમાં ક્રૂડનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. 1980થી 1988 વચ્ચે પણ ખાડી વિવાદ એક મહત્વનો વિષય બન્યો હતો. આ સમયગાળામાં બન્ને દેશોએ એકબીજાના ક્રૂડ જહાજો ઉપર હુમલા પણ કર્યા હતા. 
1980 બાદ ઈરાન ઘણી વખત ખાડી મારફતે ક્રૂડની નિકાસ રોકવાની ધમકી આપી છે. આંતરરાષ્ટ્રીય દબાણના કારણે અત્યારસુધી ઈરાને ધમકી આપી છે પણ રસ્તો રોકી શક્યું નથી. 2015માં તેહરાનની પરમાણુ સમજૂતિથી અલગ થયા બાદ અમેરિકાએ ફરી એકવખત ઈરાન ઉપર પ્રતિબંધ લાદ્યા છે. આ પ્રતિબંધ મુજબ ઈરાનમાંથી ક્રૂડની નિકાસ બંધ થવી જોઈતી હતી. પરંતુ હજી આઠ દેશોને ઈરાનથી આયાત કરવાની અસ્થાયી છૂટ આપવામાં આવી છે.
અગાઉ જુલાઈ મહિનામાં પણ રુહાનીએ ખાડીનો રસ્તો બંધ કરવાની ધમકી આપી હતી. જો કે રાષ્ટ્રપતિએ અમેરિકાના પ્રતિબંધોથી દેશની અર્થવ્યવસ્થાને પડનારા પ્રભાવને નકાર્યો હતો. તેમજ મંદી કે બેરોજગારીની સમસ્યા સર્જાશે નહી તેવો દાવો કર્યો હતો.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer