ઠંડી, ગરમી અને ઠંડકને કારણે લોકોની તબિયતના બેહાલ

ઠંડી, ગરમી અને ઠંડકને કારણે લોકોની તબિયતના બેહાલ
મુંબઈ, તા. 4 : સવારે ઠંડક, બપોરે ગરમી અને સાંજે પાછી ઠંડીને કારણે મુંબઈગરાની તબિયત પર અસર થઈ રહી છે. વાતાવરણમાં સતત થતા બદલાવને કારણે શરદી, ઉધરસ, માથું દુખવું જેવા રોગોને કારણે મુંબઈગરાઓ ત્રસ્ત થઈ ગયા છે. ઠંડી શરૂ થતાં વાઈરલ રોગ થવાની શક્યતા વધુ હોય છે. દિવાળીમાં ફટાકડાનું પ્રદૂષણ થતું હોવાથી ખાસ કરીને દિવાળી પછી શરદી, તાવ, ગળામાં દુખાવો વગેરેની ફરિયાદ વધતી હોવાનું તજજ્ઞોએ નોંધ્યું છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી મહિલાઓને રોગ જલદી થાય છે. ઠંડી શરૂ થતાં ઉધરસ અને ગળામાં દુખાવા તરફ દુર્લક્ષ કરવામાં આવે છે અને વધુ તકલીફ થાય છે. ત્યારે ઘરગથ્થુ ઉપાય કરવાને બદલે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ તેમ નિષ્ણાતોએ કહ્યું હતું. 
શ્વાસની તકલીફ હોય તેવી વ્યક્તિઓએ ઠંડીની ઋતુમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. તાપમાનમાં થતા ઘટાડાને લીધે પણ તેમને તકલીફ થઈ શકે છે. ખ્યાતનામ હૉસ્પિટલના એક ડૉક્ટરે કહ્યું હતું કે, સાર્વજનિક અને ખાનગી હૉસ્પિટલોમાં શ્વાસની તકલીફવાળા દર્દીઓનું પ્રમાણ વધ્યું છે. હવામાનમાં ફેરફાર થાય ત્યારે ખોરાકમાં પણ કેટલાક ફેરફાર કરવા પડે છે. તીખું, તળેલું, વધુ મસાલાવાળા વગેરે ખોરાકનું સેવન ન કરવું જોઈએ. તેમજ અપ્રત્યક્ષ ધૂમ્રપાનને કારણે પણ ઉધરસ થાય છે.
શું ધ્યાન રાખવું...
  • ભીડવાળાં સ્થળોએ લોકો સાથેનો સંપર્ક ટાળવો
  • જેને ઉધરસ, શરદી, દમની તકલીફ હોય તેમણે સાર્વજનિક સ્થળોએ જવું નહીં
  • વધુ અને ઉકાળેલુ પાણી પીવું
  • ગરમ કપડાં પહેરવાં
  • ઘરગથ્થુ ઉપચાર ન કરવા
  • ઍન્ટિબાયોટિક લેવાનું ટાળવું
  • ઉધરસ, શરદી, તાવ બે દિવસ કરતાં વધુ રહે તો ડૉક્ટરની સલાહ લેવી

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer