વાઇબ્રન્ટમાં ગુજરાત સમિટમાં 30 લાખ કરોડના જંગી મૂડીરોકાણનું મહત્વાકાંક્ષી લક્ષ્યાંક

વાઇબ્રન્ટમાં ગુજરાત સમિટમાં 30 લાખ કરોડના જંગી મૂડીરોકાણનું મહત્વાકાંક્ષી લક્ષ્યાંક
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.4 : વેશ્વિક મંદી અને ટ્રેડવોરના માહોલમાં 2019ની વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં આશરે 30 લાખ કરોડનું મસમોટું મૂડીરોકાણ આવશે તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અલબત્ત આવડું મોટું રોકાણ મુશ્કેલ લાગતું હોવાથી સરકારે ગુજરાતના ચાલુ પ્રોજેક્ટને પણ એમઓયુમાં આવરી લેવા માટે ખાનગી રાહે સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે.
આગામી 18થી 20 જાન્યુઆરીએ વાઈબ્રન્ટ સમિટ યોજાનારી છે. ઉદ્યોગ વિભાગના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, શેપિંગ અ ન્યૂ ઇન્ડિયાની થીમ સાથે યોજાનારી સમિટમાં ગુજરાત પ્રથમવાર ક્ષેત્રમાં વિભાજન કરીને 40 જેટલા ક્ષેત્રોમાં મૂડીરોકાણ કરવાનું નક્કી કર્યુ છે. આ ઉપરાંત અગાઉની વાઈબ્રન્ટ સમિટ દરમિયાન જે એમઓયુ નિષ્ફળ ગયા છે, તેવા ઉદ્યોગજૂથોને પાછા બોલાવવામાં આવશે!
લોકસભાની ચૂંટણી પહેલાની આ છેલ્લા વાઈબ્રન્ટ હોવાથી વાઈબ્રન્ટ સમિટને સફળ બનાવવા એડીચોટીનું જોર લગાવ્યું છે. ઉદ્યોગ વિભાગના અંદાજ પ્રમાણે 130થી વધારે દેશોના પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત દેશના 28 રાજ્યોના ઉદ્યોગપતિઓને પણ વાઈબ્રન્ટમાં રોકાણ કરવા માટે ઇજન અપાયું છે. આ સમિટમાં ગુજરાતના 1200 જેટલા ઉદ્યોગો નવા પ્રોજેક્ટસમાં તેમજ તેમના વિસ્તરણ પ્રોજેક્ટમાં રોકાણ કરવાના છે. 
વિજયભાઇ રૂપાણી દિલ્હી અને મુંબઇના ઉદ્યોગપતિઓ સાથે પણ વન ટુ વન બેઠકો યોજી આવ્યા છે. સરકારે તેના અધિકારીઓને બે રાઉન્ડમાં પહેલા વિદેશ મોકલ્યા હતા અને હવે દેશના મોટા શહેરોમાં રાજ્યસરકારના પ્રધાનો અને અધિકારીઓઁને રોડ શો માટે મોકલવામાં આવ્યા છે.સરકારનો અંદાજ છે કે, દેશના રાજ્યોમાંથી ગુજરાતમાં 5 લાખ કરોડનું મૂડીરોકાણ લાવી શકાય તેમ છે જ્યારે વિદેશમાંથી 3 લાખ કરોડના મૂડીરોકાણ ખેંચી શકાય તેમ છે. આ ઉપરાંત હાલ અગાઉની વાયબ્રન્ટ સમિટમાં થયેલા એમઓયુ પૈકી જે પ્રોજેક્ટ્સ ચાલુ છે તેમાં 8 લાખ કરોડનું મૂડીરોકાણ થવાનું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer