લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર દિલ્હીની ગૅન્ગે લીક કર્યું હતું

લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર દિલ્હીની ગૅન્ગે લીક કર્યું હતું
વધુ ચાર શખસની ધરપકડ

અમદાવાદ, તા. 4:  ગુજરાતના લોકરક્ષક દળની ભરતી અંગેનું પેપર દિલ્હીની ગેંગે લીક કર્યાનું ખુલ્યું છે. આ કૌભાંડમાં વધુ ચાર શખસની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પકડાયેલ ચારને દસ દિવસના રિમાન્ડ પર મેળવવામાં આવ્યા છે. જ્યારે અરવલ્લીના સાઠંબા ગામના ભાજપના કાર્યકરની પૂછપરછના હેતુસર અટકાયત કરવામાં આવી છે તો વડોદરા મહાપાલિકાની સેનેટરી શાખાના હંગામી કર્મચારી અને સૂત્રધાર યશપાલસિંહ સોલંકીને ઝડપી લેવા પોલીસે દોડધામ આદરી છે.
રવિવારે લોકરક્ષકની ભરતીની પરીક્ષા લેવાનાર હતી. ગુજરાતભરના નવ લાખથી વધુ ઉમેદવાર પરીક્ષા આપનાર હતાં. આ ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા હતાં. ત્યાં જ પેપર લીક થઇ ગયાનું બહાર આવતા પરીક્ષા રદ કરવામાં આવી હતી. પરીક્ષા રદ કરવાની સાથો સાથ રાજ્ય સરકારે તાકીદે તપાસ કરવાના આદેશ આપ્યા હતાં. આદેશના પગલે પોલીસે ગાંધીનગરના મનહર પટેલ, પી.વી.પટેલ, રૂપલ શર્મા અને મુકેશ ચૌધરીને ઝડપી લીધા હતાં. આ શખસોની પૂછપરછ અને તપાસમાં દિલ્હીની પેપર લીક કરતી પ્રોફેશનલ ગેંગ દ્વારા પેપર લીક કરાયાનું ખુલ્યું હતું. આ ઉપરાંત એવી વિગત પ્રકાશમાં આવી હતી કે, અરવલ્લીના બાયડ ગામનો પ્રિતેશ નટવરલાલ પટેલ, મહેસાણાના મેદવનો નરેન્દ્ર પૃથ્વીરાજ ચૌધરી અને બનાસકાંઠાના વડગામનો અજયસિંહ મફતસિંહ પરમાર સહિતના શખસો વડોદરા મહાપાલિકામાં નોકરી કરતાં યશપાલસિંહ જશવંતસિંહ સોલંકીની આગેવાનીમાં દિલ્હી અને ગુડગાંવ ત્રણ ઇનોવા અને એક તુફાન ગાડીમાં ગયા હતાં અને ત્યાં પેપર લીક કરતી ટોળકીના સભ્યોને મળ્યા હતાં. આ શખસોને લોકરક્ષકની પરીક્ષાના પેપર દેખાડવામાં આવ્યા હતાં. પેપરના જવાબ લખવા માટે આપ્યા હતાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer