નેશનલ હેરલ્ડ કેસમાં સોનિયા-રાહુલ સામે આઇટીની તપાસ થશે

નેશનલ હેરલ્ડ કેસમાં સોનિયા-રાહુલ સામે આઇટીની તપાસ થશે
નવી દિલ્હી, તા. 4 (પીટીઆઈ): નેશનલ હેરાલ્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે આજે કોંગ્રેસ પક્ષના ટોચના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે કર આકારણીના પુનર્મૂલ્યાંકનની ઈન્કમટેકસ વિભાગને મંજૂરી આપી હતી સાથોસાથ કેસ પેન્ડિંગ હોય ત્યાં સુધી આઈટીને પોતાની કાર્યવાહી પર લેવાયેલો નિર્ણય લાગુ કરવા પર રોક લગાવીને કોંગ્રેસ નેતાઓને થોડી રાહત પણ આપી હતી.
નેશનલ હેરાલ્ડના વર્ષ 2011-12ના ટેકસ મૂલ્યાંકનના મામલામાં આવકવેરા વિભાગને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓસ્કાર ફર્નાન્ડીસ સામે તપાસ જારી રાખવાની સુપ્રીમ કોર્ટે આજે મંજૂરી આપી હતી. જો કે કેસ ચાલુ રહે ત્યાં સુધી આવકવેરા વિભાગને પોતાની કાર્યવાહી પર લેવામાં આવેલા નિર્ણય પર અમલ કરવા સામે કોર્ટે રોક લગાવી હતી. કોર્ટે જણાવ્યું હતું કે તે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમના માતા સોનિયા ગાંધીની અરજીઓના ગુણ-દોષ પર પોતાની ટિપ્પણી આપી રહી નથી.
કોર્ટે સ્પષ્ટ કર્યું હતુ કે, આ મામલામાં હજુ અંતિમ નિર્ણય આપવામાં આવ્યો નથી અને ન્યાયાધીશ એ.કે. સિકરીની અધ્યક્ષતાવાળી બેન્ચે મામલાની સુનાવણી આવતા વર્ષે આઠમી જાન્યુઆરીએ નિયત કરી હતી.
ઉલ્લેખનીય છે કે મામલાની અગાઉ સુનાવણી 13મી નવેમ્બરે કરવામાં આવી હતી ત્યારે કોર્ટે કોંગ્રેસના બંને નેતાઓને ઝટકો આપતાં આવકવેરા વિભાગ તરફથી તેમને જારી નોટિસ પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો હતો. જો કે તે પછી કોર્ટે બનેની અરજીને સુનાવણી માટે સ્વીકારી હતી.
ઉલ્લેખનીય છે કે આવકવેરા વિભાગે રાહુલ અને સોનિયાને નાણાકીય વર્ષ 2011-12ના આવકવેરા સંબંધી વિવરણમાં યંગ ઈન્ડિયાથી થયેલી આવકનો ઉલ્લેખ ન કરવા બદલ નોટિસ પાઠવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer