બુલંદશહરમાં હિંસાનો મુખ્ય કાવતરાખોર બજરંગ દળનો યોગેશ રાજ હજી ફરાર

બુલંદશહરમાં હિંસાનો મુખ્ય કાવતરાખોર બજરંગ દળનો યોગેશ રાજ હજી ફરાર
મૃત પોલીસ અધિકારીના પરિવારની હાલત બની દયનીય : રાજકીય આરોપબાજીનો સિલસિલો શરૂ : કુલ ચારની ધરપકડ, 75 કેસ
 
બુલંદ શહેર, તા. 4 : ગૌહત્યા મુદ્દે યુપીનાં બુલંદશહેરમાં થયેલાં તોફાનોમાં અખલાક કેસની તપાસ કરનાર એક પોલીસ ઈન્સ્પેક્ટરની હત્યા બાદ હંમેશની માફક રાજકીય આક્ષેપબાજી શરૂ થઈ ગઈ છે. બીજીબાજુ પોલીસે પણ તાબડતોબ કાર્યવાહી કરતાં હિંસા ભડકાવનારા કાવતરાખોરોને પકડી પાડવાની કવાયત શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં કુલ 4ની ધરપકડ કરી લેવામાં આવી છે અને 7પ જેટલા કેસ પણ નોંધવામાં આવ્યા છે. અત્યાર સુધીની તપાસમાં મુખ્ય ષડયંત્રકારી તરીકે બજરંગ દળ સાથે જોડાયેલો યોગેશ રાજ ઉપસી આવ્યો છે અને તેણે જ લોકોને ઉશ્કેર્યા હોવાનું સામે આવ્યું છે. યોગેશ રાજ હજી સુધી ફરાર છે.
બુલંદ શહેરમાં ભભૂકેલી હિંસામાં પીઆઈ સુબોધકુમાર સિંહ અને એક યુવકનાં મોત બાદ ભારે હોબાળો મચ્યો છે અને રાજ્ય સરકાર ભણી આંગળી ચીંધવામાં આવી રહી છે ત્યારે યુપીના પોલીસ વડા આનંદ કુમારે આજે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે વીડિયો ફૂટેજ અને મૌખિક જુબાનીના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. હજી પણ પોલીસ વધુ પ0 લોકોને ઓળખી કાઢવાની કાર્યવાહીમાં છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાની તપાસ માટે સીટની રચના પણ કરી દેવામાં આવી છે. કુમારે પણ પુષ્ટિ આપી હતી કે આ હિંસાનો મુખ્ય આરોપી યોગેશ રાજ જ છે. 
રાજકારણ શરૂ
બસપા અને કોંગ્રેસે બુલંદશહેરની હિંસા મુદ્દે રાજ્ય સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે તો રાજ્યના મંત્રી ઓમપ્રકાશ રાજભરે આ તોફાનના સમય સામે શંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે આ હિંસા ત્યારે જ શા માટે થઈ જ્યારે શહેરમાં મુસ્લિમોનું એઝ્તમા ચાલી રહ્યું હતું. બસપાનાં વડા માયાવતીએ કહ્યું હતું કે રાજ્યમાં જંગલરાજ ચાલી રહ્યું છે. આના માટે ભાજપ સરકાર જ જવાબદાર છે. આ પહેલા પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ ટ્વિટર ઉપર લખ્યું હતું કે ભાજપનાં શાસનમાં યુપી હિંસા અને અરાજકતાનાં યુગમાંથી પસાર થઈ રહ્યું છે. આશ્ચર્યજનક રીતે યોગી સરકારના મંત્રી રાજભરે પણ આ તોફાન માટે વિહિપ, બજરંગ દળ અને સંઘને જવાબદાર ઠરાવી દીધા હતા. સપાના વરિષ્ઠ નેતા આઝમ ખાને પણ કહ્યું હતું કે દૂરદૂર સુધી મુસલમાનોની વસતી ન હોવા છતાં ત્યાં ગૌમાંસ આવ્યું કેવી રીતે તેની તપાસ પણ થવી જોઈએ. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલે કહ્યું હતું કે યોગીરાજ હવે ટોળારાજમાં ફેરવાઈ ગયું છે અને મુખ્યમંત્રી રાજ્યને અરાજક તત્ત્વોના હાથમાં સોંપીને ચૂંટણી ભ્રમણમાં વ્યસ્ત છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer