ક્રિશ્ચિયન મિચેલનું ભારતને પ્રત્યાર્પણ ગાંધી પરિવાર માટે મુસીબત નોતરશે?

ક્રિશ્ચિયન મિચેલનું ભારતને પ્રત્યાર્પણ ગાંધી પરિવાર માટે મુસીબત નોતરશે?
અગસ્તા વેસ્ટલૅન્ડ હેલિકૉપ્ટર સોદામાં વચેટિયો પર્દાફાશ કરશે
 
નવી દિલ્હી, તા. 4 (પીટીઆઇ): અગસ્તા વેસ્ટલૅન્ડના 3600 કરોડ રૂપિયાના વીવીઆઇપી હેલિકૉપ્ટર સોદામાં કથિત વચેટિયા ક્રિશ્ચિયન મિચેલનું કરાયેલું પ્રત્યાર્પણ ભારત માટે રાજદ્વારી વિજય છે અને એ કૉંગ્રેસના `પ્રથમ પરિવાર' માટે `ગંભીર મુસીબત' સર્જી શકે એમ ભારતીય જનતા પક્ષે (ભાજપએ) જણાવ્યું છે.
શાસક પક્ષે ભારપૂર્વક એમ પણ જણાવ્યું હતું કે આ ઘટના ભ્રષ્ટાચારને લડત આપવા માટે નરેન્દ્ર મોદી સરકારની ગંભીરતાની સ્પષ્ટ સાબિતી છે.
પક્ષના પ્રવક્તા જીપીએલ નરસિંહ રાવે જણાવ્યું હતું કે ક્રિશ્ચિયન મિચેલનું પ્રત્યાર્પણ નરેન્દ્ર મોદી સરકારને નવું બળ પૂરું પાડશે. હવે તે સેન્ટ્રલ બ્યુરો અૉફ ઇન્વેસ્ટિગેશન સમક્ષ હાજર થવાથી અગસ્તા વેસ્ટલૅન્ડ લાંચ કૌભાંડમાં લાંચ મેળવનારા `સાચા' લોકોનાં નામ બહાર આવશે.
મિચેલ ગાંધીપરિવારના વફાદાર હોવાનું સુવિદિત હોવાનો દાવો કરીને રાવે કહ્યું હતું કે તેનું પ્રત્યાર્પણ અને કસ્ટડી કૉંગ્રેસના પ્રથમ પરિવાર માટે ગંભીર મુશ્કેલી સર્જી શકે.
આ સોદા સંબંધમાં કૉંગ્રેસે એના નેતાઓ વિરુદ્ધના તમામ આક્ષેપોને નકાર્યા છે.
સૂત્રોએ જણાવ્યા અનુસાર સંયુક્ત આરબ અમીરાત તરફથી મિચેલનું પ્રત્યાર્પણ કરાયું છે અને દુબઈથી ખાનગી વિમાનમાં તેને લવાઈ રહ્યો છે.
મિચેલના પ્રત્યાર્પણને મોદી સરકારના `રાજદ્વારી વિજય' તરીકે વર્ણવીને ભાજપના પ્રવક્તા નલિન કોહલીએ કહ્યું હતું કે ભારતમાં લાંચ મેળવનારા કોણ હતા એ સત્ય જાણવાનો દેશને હક છે. નિશ્ચિતપણે અમે સચ્ચાઈ જાણવાની નિકટ છીએ.
કોહલીએ વધુમાં જણાવ્યું હતું કે આ પ્રત્યાર્પણ એ હકીકતને પણ પુષ્ટિ આપે છે કે દુબઈમાં અદાલત સમક્ષ ભારત તરફથી કરાયેલા પ્રયાસો ગંભીર હતા અને નક્કર કાનૂની દલીલો પર આધારિત હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer