જાન્યુઆરીમાં શરૂ થશે વધુ મોટી - સગવડદાયક બીજી AC લોકલ

મુંબઈ, તા. 5 : મુંબઈમાં એ.સી. લોકલમાં પ્રવાસ કરનારાઓને તેનો સુખદ અનુભવ થવાથી આવી વધુ લોકલ શરૂ કરાવી જોઈએ એમ લાગે છે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં શહેરમાં આવનારી બીજી એ.સી. લોકલ વધુ મોટી અને સગવડદાયક હોવાની સાથે તેમની જરૂરિયાતને અમુક અંશે પરિપૂર્ણ કરશે.
આ 12 ડબ્બાની એ.સી. લોકલનું મુખ્ય જમા પાસું તેની વધારેલી ક્ષમતા છે. પહેલી લોકલની વહનક્ષમતા 5964 પ્રવાસીની હતી, જ્યારે નવી લોકલ વધુ 350 પ્રવાસીને (50 બેઠક અને 300 સ્ટેન્ડિંગ) લઈ જઈ શકશે. તેનું કારણ એ છે કે નવી ટ્રેન સંપૂર્ણપણે વેસ્ટિબ્યુલ છે અને તેથી પ્રથમ એ.સી. ટ્રેનની તુલનામાં 100 ટકા સીમલેસ છે.
મુંબઈને તેની પ્રથમ એ.સી. લોકલ 25 ડિસેમ્બર 2017ના મળી, જે દરરોજ વિરાર અને ચર્ચગેટ વચ્ચે 12 ફેરા કરે છે. મેન્ટેનન્સ માટે શનિ-રવિએ તેને બંધ રખાય છે. આ ટ્રેન દરરોજ સરેરાશ 1500 પ્રવાસીનું વહન કરે છે અને રેલવે સૂત્રોના જણાવવા મુજબ કાફલામાં બે ટ્રેનો હોય તો શનિ-રવિએ પણ તેને ચાલુ રાખી શકાય છે.
મુંબઈ ઉપનગરીય નેટવર્કમાં વધુ નવ એ.સી. ટ્રેનો ઉમેરવાની યોજના છે. મધ્ય રેલવેમાં જૂનમાં એ.સી. લોકલ શરૂ કરવાની સંભાવના છે.
ચેન્નઈસ્થિત એ.સી. ટ્રેન બનાવતી ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (આઈસીએફ)ના ચીફ એન્જિનિયર શુભ્રાંશુએ જણાવ્યું હતું કે લેટેસ્ટ એ.સી. લોકલની ડિઝાઈન અને ફીચર્સ `ટ્રેન 18' જેવા છે, જે તાજેતરની ટ્રાયલમાં પ્રતિ કલાક 180 કિ.મી.ની ગતિએ દોડનારી ભારતની સર્વપ્રથમ દેશી એન્જિન રહિત ટ્રેન છે.
`આ ટ્રેનમાં અંડર-સ્લંગ ઇક્વિપમેન્ટ બેસાડેલું હશે, જેનો અર્થ એમ થયો કે ઇલેક્ટ્રકલ ઇક્વિપમેન્ટ રૅકની નીચે હશે. કમ્પાર્ટમેન્ટની ડિઝાઈન અને પ્રોપલ્સન ટેક્નૉલૉજી ટ્રેન 18માંથી લેવામાં આવી છે. આથી પ્રવાસીઓને અન્ય ટ્રેનોની તુલનામાં સુખદ પ્રવાસનો અનુભવ થશે' એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
દરમિયાન, આઈસીએફના જનરલ મૅનેજર સુધાંશુ મણીએ જણાવ્યું હતું કે નવી એ.સી. ટ્રેન વધુ ઝડપી, વધુ સારી બેઠકો તેમ જ વધારે સામાન રાખવાની જગા ધરાવતી હોવાથી પ્રવાસીઓની સગવડોમાં વધારો થશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer