ફોર્બ્સ ઇન્ડિયા 2018 સલમાન ખાન સૌથી ધનિક સેલિબ્રિટી, બીજા નંબર પર કોહલી

ફોર્બ્સ ઇન્ડિયા 2018 સલમાન ખાન સૌથી ધનિક સેલિબ્રિટી, બીજા નંબર પર કોહલી
નવી દિલ્હી, તા. 5 : વાર્ષિક 253.25 કરોડની આવક સાથે બૉલીવૂડ સ્ટાર સલમાન ખાન ફોર્બ્સની યાદીમાં સતત ત્રીજા વર્ષે ટોપ પર, જ્યારે આ વખતે વિરાટ કોહલી શાહરુખને પછાડી બીજા નંબર પર આવી ગયો છે. વિશ્વ વિખ્યાત મેગેઝિન ફોર્બ્સે ભારતની 2018માં ટોચની 100 સેલેબ્રિટીઝની યાદી જાહેર કરી છે. ફોર્બ્સેની 7મા ઇન્ડિયા સેલિબ્રિટી યાદીમાં આ વર્ષે પણ સલમાન ખાન પ્રથમ સ્થાને છે. મેગેઝિને પોતાની વેબસાઇટ પર ભારતના ટોપ 100 સેલિબ્રિટીની યાદી મૂકી છે. 
વર્ષ 2018ના લિસ્ટમાં બાવન વર્ષીય સલમાન ખાન સતત ત્રીજા વર્ષે લિસ્ટમાં પ્રથમ સ્થાને છે. જેમાં તેની આ વર્ષે રીલિઝ થયેલી ટાઇગર ઝિંદા હૈ અને રેસ 3ની આવકનો સમાવેશ થાય છે. ફિલ્મો સિવાય સલમાન ખાન ટેલિવિઝન શો અને જાહેરાતોમાંથી પણ કરોડોની કમાણી કરે છે. સલમાન ખાનની વાર્ષિક આવક 253.25 કરોડ છે. જે ટોપ 100 સેલિબ્રિટીની આવક 3140.25 કરોડના 8 ટકા છે. 
તો લિસ્ટમાં આ વખતે ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલી બીજા સ્થાને છે. વિરાટ કોહલીની વાર્ષિક આવક 228.09 કરોડ રૂપિયા છે. જેમાં ગયા વર્ષ કરતાં 116.53 કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે. જ્યારે ત્રીજા નંબર પર અક્ષય કુમાર છે, જેમની વાર્ષિક આવક 185 કરોડ રૂપિયા છે. 
તો ગયા વર્ષે 170 કરોડની આવક સાથે બીજા સ્થાને રહેલા શાહરુખ ખાન આ વર્ષે ટોપ 10માંથી જ બહાર થઇ ગયા. આ વર્ષ શાહરુખ ખાન માટે નબળું રહ્યું છે, શાહરુખ ખાનની આવકમાં 33 ટકા ઘટાડો નોંધાયો છે, આ વર્ષે એસઆરકે લિસ્ટમાં 17મા સ્થાને છે. 
હાલમાં જ લગ્નને લઇને ચર્ચામાં રહેલી દીપિકા પાદુકોણે અનેક પુરુષ સેલિબ્રિટીને પછાડી ટોપ ટેનમાં સ્થાન બનાવ્યું છે. દીપિકા આ વર્ષના લિસ્ટમાં ચોથા સ્થાને છે. સાથે જ પહેલી મહિલા બની ગઇ છે જેણે ટોપ પાંચમાં જગ્યા બનાવી હોય. દીપિકાએ આ વર્ષે 112.80 કરોડ રૂપિયાની આવક કરી છે. જેમાં તેની છેલ્લે રીલિઝ થયેલી પદ્માવત ફિલ્મ અને જાહેરાતને કારણે કમાણી વધી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer