પાલિકાની હૉસ્પિટલમાં ઈન્જેક્શન પણ નથી !

મુંબઈ, તા. 5 : હાલ પાલિકાની હૉસ્પિટલોમાં દવાઓ સહિત ઈન્જેક્શનની પણ અછત છે. દવાઓની અછતની ફરિયાદને ધ્યાનમાં રાખીને પાલિકાએ ચાર સભ્યોની સમિતિ બનાવી છે. 
પાલિકાની હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓએ દવાઓ સવાય કેટલાક ઈન્જેક્શન પણ બહારથી લેવાની ફરજ પડી રહી છે. સૂત્રોએ આપેલી માહિતી મુજબ, ડાયાબિટીસ માટે વપરાતી મેટફોર્મિન દવા નાયર હૉસ્પિટલમાં ઉપલબ્ધ નથી. જ્યારે હૃદયની બીમારીમાં માટે વપરાતા ઈન્જેક્શન એડરનલિન સહિત બીજા 15 ઈન્જેક્શન અહીં ઉપલબ્ધ નથી. નાયર સિવાય કેઈએમ હૉસ્પિટલમાં પણ દવાઓ અને ઈન્જેક્શનની અછત છે. પ્રસુતિગૃહમાં પણ કેટલાક ઈન્જેક્શન ઉપલબ્ધ નથી. ભાંડુપસ્થિત પ્રસુતિ ગૃહમાં હાઈડ્રોકોટિજન સહિત ડિલિવરી દરમિયાન વપરાતા ઈન્જેક્શનની અછત છે. ઈન્જેક્શન ન હોવાથી દર્દીઓને ઈન્જેક્શન બહારથી ખરીદવાનું કહેવામાં આવે છે. ઈન્જેક્શનનો પુરવઠો પૂરો પાડતી કંપનીઓ દ્વારા જ ઈન્જેક્શન પૂરા પડાતા નથી. 
પાલિકાની હૉસ્પિટલમાં દવાઓની અછત શા માટે છે તે તપાસવા માટે ચાર સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. કુર્લા ભાભાના સુપરિટેન્ડન્ટ અૉફિસર ડૉક્ટર કૃષ્ણકુમાર પિંપલેની અધ્યક્ષતા હેઠળ બનાવવામાં આવેલી સમિતિ 15 દિવસમાં વિસ્તારિત અહેવાલ આપશે. આ સમિતિમાં સાયન હૉસ્પિટલના ડૅપ્યુટી ડીન ડૉક્ટર બોરસે, કેઈએમના ડૉક્ટર પ્રવીણ બાંગર સહિત અન્ય એક સભ્યનો સમાવેશ છે. તપાસ બાદ કોન્ટ્રેક્ટરની નિમણૂક કરવા બાબતે નિર્ણય લેવાશે. જો સમય પર દવાઓનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે તો દવાઓ જલ્દી શા માટે ખૂટી પડે છે? દરમિયાન દર્દીઓની સંખ્યામાં કેટલો વધારો થયો છે? વગેરે પ્રશ્નો પર ધ્યાન આપવામાં આવશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer