મુલુંડના ડમ્પિંગ ગ્રાઉન્ડ પર હજી કચરો ઠલવાય છે

સ્થાનિકોના આરોગ્યને ખતરો હોવાથી હાઈ કોર્ટે પહેલી અૉક્ટોબરથી કચરો ડમ્પ કરવાની ના પાડેલી
મુંબઈ, તા. 5 : મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડ પર કચરો ઠાલવવાનું 2018ની 1 અૉક્ટોબરથી બંધ કરવામાં આવશે એવું પાલિકાના સત્તાવાળાઓએ કહ્યું હોવા છતાં એ ગ્રાઉન્ડ પર હજી દરરોજ ભારે પ્રમાણમાં કચરો ઠલવાઈ રહ્યો છે. કચરા પર પ્રક્રિયા માટે કૉન્ટ્રૅક્ટરને મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ મંડળ તરફથી હજી જરૂરી પરવાનગી મળી ન હોવાથી કચરાપ્રક્રિયા રખડી પડી છે એવું પાલિકાના સત્તવાળાઓએ આજે સ્થાયી સમિતિમાં કબૂલ્યું હતું. એટલે હજી પણ કચરાની દુર્ગંધમાંથી મુલુંડવાસીઓનો છુટકારો થયો નથી.
કચરાના ઢગ ખડકાતાં એમાંથી આવતી ભયંકર દુર્ગંધને લીધે મુલુંડના રહેવાસીઓના આરોગ્યને જોખમ હોવાથી છેલ્લાં અનેક વર્ષોથી મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડ બંધ કરવાની માગણી થઈ રહી છે. એ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં અનેક વખત આગ પણ ફાટી નીકળે છે. આખરે મુંબઈ હાઈ કોર્ટે લોકોની ફરિયાદ બાદ એની ગંભીર નોંધ લઈને મુલુંડનું ડમ્પિંગ ગ્રાઉન્ડ 2018ની 1 અૉક્ટોબરે બંધ કરવાનો આદેશ આપ્યો હતો.
જોકે પાલિકાએ 1 અૉક્ટોબરથી ડમ્પિંગ ગ્રાઉન્ડ પર કચરો નહીં ઠલવાય એવું જાહેર કર્યું હતું છતાં આજની તારીખેય હજી ડમ્પિંગ ગ્રાઉન્ડ પર કચરો ઠાલવવાનું બંધ નથી થયું એવું સ્થાયી સમિતિમાં ભાજપના પ્રભાકર શિંદેએ જણાવ્યું હતું. એ વખતે પાલિકાના સત્તાવાળાઓએ કહ્યું હતું કે પરવાનગી મળી ન હોવાથી કચરાપ્રક્રિયા શરૂ થઈ શકી નથી.
કચરો ઠાલવવાની ક્ષમતા પૂરી થઈ
1968માં શરૂ થયેલા ડમ્પિંગ ગ્રાઉન્ડ પર દરરોજ 1500 મેટ્રિક ટન કચરો ઠલવાતો હતો અને એની ક્ષમતા પૂરી થતાં એ ડમ્પિંગ ગ્રાઉન્ડ બંધ કરવાનો નિર્ણય પાલિકાએ લીધો હતો. એ ગ્રાઉન્ડ પર ઠલવાતો 1500 મેટ્રિક ટન કચરામાંનો 1000 મેટ્રિક ટન કચરો હવે પછી દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ પર અને 500 મેટ્રિક ટન કચરો કાંજુર ડમ્પિંગ ગ્રાઉન્ડ પર ઠલવાશે.
કચરાના નિકાલ માટે 650 કરોડનો ખર્ચ
24 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડ પર છેલ્લાં અનેક વર્ષોથી કચરો ઠલવાઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં 70 લાખ મેટ્રિક ટન કચરો ભેગો થયો છે. એ કચરાનો નિકાલ કરવા માટે 6 વર્ષ લાગશે અને એને માટે 650 કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ અપાઈ ગયો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer