બુલંદશહરની હિંસામાં કાવતરાની ગંધ

લખનઉ, તા.પ : ગૌહત્યાની આશંકા પછી યુપીનાં બુલંદશહેરમાં ભડકેલી હિંસાની આગમાં એક પોલીસ અધિકારીની હત્યા બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આખરે ગૌવધની અફવા કોણે ફેલાવી અને ઓચિંતા આટલી મોટી ભીડ કેવી રીતે એકત્ર થઈ ગઈ? આ ઉપરાંત સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે ટોળાનાં લોકો પાસે ઘાતક હથિયાર ક્યાંથી આવ્યા? આ તમામ સવાલો વચ્ચે યુપીનાં પોલીસ વડા ઓ.પી.સિંહે મહત્ત્વનું નિવેદન આપતાં કહ્યું છે કે બુલંદશહેરની હિંસા કોઈ મોટું કાવતરું હતું. ત્યાં જે થયું તે માત્ર કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન નહોતો પરંતુ ષડયંત્ર હતું. ત્યાં ગાય કેવી રીતે પહોચી, કોણ લાવ્યું? કેવી હાલતમાં તે મળી આવી ? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. હજી પોલીસ તપાસ ચાલી રહી છે. શા માટે આવી ઘટના બુલંદશહેરમાં અને 3 ડિસેમ્બરે જ બની? તમામ પરિમાણોથી આ ઘટનાની તપાસ થશે. બીજીબાજુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વિટરનાં માધ્યમથી પોલીસ અધિકારીઓને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર તત્ત્વોને બેનકાબ કરવાનાં સખત નિર્દેશ આપ્યા હતાં.
હું ઘટનાસ્થળે નહોતો: 
મુખ્ય આરોપીનો વીડિયો
બુલંદશહેરનાં સ્યાનામાં થયેલા તોફાનનો મુખ્ય આરોપી અને બજરંગદળનો જિલ્લા સંયોજક યોગેશ રાજ હજી પોલીસનાં હાથમાં આવ્યો નથી પણ તેણે એક વીડિયો સંદેશ જારી કરીને પોતાની સ્પષ્ટતા આપી છે. તેનાં કહેવા અનુસાર દુર્ઘટના સમય તે ઘટનાસ્થળે નહીં પણ પોલીસચોકીમાં હતો.
ગૌહત્યા બાબતે બે સગીરની પૂછપરછ
બુલંદશહેરમાં અંધાધૂંધી સર્જનાર ગૌહત્યાની ઘટના મુદ્દે પૂછપરછ માટે બે સગીરને પોલીસ ચોકી બોલાવ્યા હતાં. જો કે આ બન્ને પાસેથી કંઈ જાણકારી મેળવવામાં આવી તે હજી સુધી બહાર આવ્યું નથી.
દરોડાના ડરથી પુરુષો ભાગી ગયા
બુલંદશહેરમાં હિંસાનું એપીસેન્ટર બનેલા મહાગ ગામમાં ભેદી સન્નાટો પ્રસરી ગયો છે. પોલીસનાં દરોડાનાં ડરથી ગામનાં મોટાભાગનાં પુરુષો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જ્યારે મહિલાઓએ પણ મોઢા સીવી લીધા છે અને કોઈપણ પ્રકારનું નિવેદન આપવા તૈયાર નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer