કુંભારામને બદલે કુંભકર્ણ ! રાહુલની જીભ લપસી

નવીદિલ્હી,તા.પ: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જીભ લપસતા ફરી એકવાર સોશિયલ મીડિયામાં હાસ્યાસ્પદ બન્યા છે. પોતાનાં ભાષણમાં રાહુલે કુંભારામ લિફ્ટ યોજનાને કુંભકર્ણ લિફ્ટ યોજના કહી નાખી હતી.જેને પગલે ઉપસ્થિત મેદનીમાં હાસ્યની છોળો ઉડી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મુદ્દે રાહુલ ઉપર તીખો હુમલો બોલાવવાની તક ઝડપી લીધી હતી અને રાજસ્થાનમાં પ્રચારનાં અંતિમ દિવસે તેમણે કહ્યું હતું કે રાહુલ ઈતિહાસનાં શીર્ષ નેતાઓનાં નામ પણ જાણતા નથી. 
7મી ડિસેમ્બરે યોજાનારી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે રાજનેતાઓ ઉપરાઉપરી સભાઓ ગજવી રહ્યા છે અને તેમાં ક્યારે કોઈની જીભ લપટી જાય તે નક્કી રહેતું નથી. આવું જ રાહુલ ગાંધી સાથે બન્યું છે. મંગળવારે ઝુંઝુનૂમાં રાહુલ કોંગ્રેસે કરેલા વિકાસ કાર્યો ગણાવી રહ્યા હતાં અને આ દરમિયાન જ તેમણે કુંભારામ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. જો કે તેમણે ભૂલથી કુંભારામને બદલે કુંભકર્ણ બોલી નાખ્યું હતું. જેને પગલે ઉપસ્થિતિ મેદનીમાં હાસ્ય ફરી વળ્યું હતું.
સોશિયલ મીડિયામાં પણ રાહુલની ભારે મજાક ઉડયા બાદ આજે વડાપ્રધાન મોદીએ પાલીની રેલીમાં રાહુલ ઉપર કટાક્ષ કરતાં કહ્યું હતું કે કુંભકર્ણની માફક કોંગ્રેસ પણ પોતાનાં 60 વર્ષનાં શાસનમાં ઘેરી નિદ્રામાં હતું. તેમને રાજસ્થાનનાં દિગ્ગજ નેતાનાં નામ પણ ખબર નથી.  કુંભારામ અને કુંભકર્ણ વિશે પણ તેને ખ્યાલ નથી. આવા લોકો શાસનમાં આવે તો શું કરે તેની કલ્પના બધા કરી શકે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer