રફાલ મુદ્દે વડા પ્રધાનને ઘેરનાર કૉંગ્રેસ હવે `બૅકફૂટ'' પર આવી

રફાલ મુદ્દે વડા પ્રધાનને ઘેરનાર કૉંગ્રેસ હવે `બૅકફૂટ'' પર આવી
અગસ્તા વેસ્ટલૅન્ડનો `વચેટિયો' મિશેલ સીબીઆઇ કસ્ટડીમાં
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 5 : રફાલ સોદામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે મોરચો માંડનારી કૉંગ્રેસ હવે બૅકફૂટ પર આવી ગઈ છે, કારણ કે દુબઈથી જેનું પ્રત્યાર્પણ કરાયું છે તે ક્રિશ્ચિયન મિશેલની ધરપકડ સાથે કૉંગ્રેસની મુસીબતો વધી શકે છે અને એનો આધાર મિશેલની તપાસમાં શું બહાર આવે છે એના પર રહેલો છે.
મિશેલના પ્રત્યાર્પણ વિશે રાજસ્થાનની એક રૅલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તમે જોયું હશે કે અમે કેવી રીતે વીવીઆઇપી ચૉપર સ્કૅમના વચેટિયાને પકડી લીધો છે અને તેને દુબઈથી દિલ્હી લઈ આવ્યા છીએ. કૉંગ્રેસના કબાટમાંથી હવે કેવાં હાડપિંજરો નીકળે છે એ આપણે જોઈશું. વડા પ્રધાનના આ નિવેદન પરથી એવો સંકેત મળે છે કે તપાસ બાદ કૉંગ્રેસની મુસીબતો વધી શકે છે.
આ બનાવથી કૉંગ્રેસને ઘેરીને એને વિપક્ષોમાં એકલી પાડવા ભાજપ તમામ પ્રયાસો કરશે અને આવતા સપ્તાહથી શરૂ થતા સંસદના શિયાળુ સત્રમાં કૉંગ્રેસ સામે ખુલ્લા પ્રહારો કરશે.
યુપીએ શાસન દરમિયાન અગસ્તા વેસ્ટલૅન્ડ ચૉપર સોદામાં કહેવાતા વચેટિયા મિશેલને દુબઈએ ભારતને સોંપ્યો છે અને દિલ્હીની કોર્ટે તેને સીબીઆઇના કબજામાં પાંચ દિવસ સુધી મોકલી દીધો છે. વિદેશપ્રધાન સુષમા સ્વરાજે અબુધાબીમાં તેમના યુએઈના સમોવડિયા અબદુલ્લાહ બિન ઝાયેદ સાથે મંત્રણા કરી એ જ દિવસે મિશેલનું પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું.
ડૉ. મનમોહન સિંઘની આગેવાની હેઠળની સરકાર જ્યારે સત્તા પર હતી ત્યારે રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, ભૂતપૂર્વ વડા પ્રધાનો અને અન્ય વીઆઇપીઓ માટે 12 લક્ઝરી હેલિકૉપ્ટરોની ખરીદી કરવામાં આવી હતી એ સોદો અગસ્તા વેસ્ટલૅન્ડ કેસ તરીકે જાણીતો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer