પૂજારાની સદીએ સંભાળ્યો ભારતનો દાવ

પૂજારાની સદીએ સંભાળ્યો ભારતનો દાવ
એક વખતે 127 રનમાં 6 વિકેટો ભારતે ગુમાવી પરંતુ પૂજારાએ મક્કમ બાટિંગ કરી 123 રન કર્યા : મૅચ રોચક 
 
એડિલેડ,તા. 6  : એડિલેડ ઓવલ ખાતે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતીય ટીમનો આજે જોરદાર ધબડકો થયો હતો. જો કે, ચેતેશ્વર પુજારાએ બાજી સંભાળી લઇને ટીમ ઇન્ડિયાની લાજ રાખી હતી. એક વખતે ભારતીય ટીમને 127 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. આજે રમત બંધ રહી ત્યારે પુછડિયા બેટ્સમેનોના યોગદાનને લઇને ટીમ ઇન્ડિયાએ નવ વિકેટે 250 રન કર્યા હતા. પુજારા 123 રન કરીને આઉટ થયો હત. 70 વર્ષના લાંબા ગાળા બાદ ભારતીય ટીમ પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતવાના ઇરાદાથી મેદાનમાં ઉતરી છે પરંતુ આજે પ્રથમ દિવસે જ ટીમનો ધબડકો થયો હતો.  ઓસ્ટ્રેલિયાની ટીમને તેની જમીન પર હરાવવા માટેની બાબત તો સારી સારી ટીમો પણ સરળ રહી નથી. 
આંકડાની વાત કરવામાં આવે તો વર્ષ 2000 બાદથી ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરનાર ટીમોની હાલત કફોડી રહી છે. ભારતની વાત કરવામાં આવે તો ભારતે વર્ષ 2000 બાદથી 17 ટેસ્ટ મેચ રમી છે. જે પૈકી ભારતને માત્ર બે ટેસ્ટ મેચ જીતવામાં સફળતા મળી છે. જ્યારે તેની 10 ટેસ્ટમાં હાર થઇ છે. પાંચ ટેસ્ટ ડ્રો રહી છે. વર્ષ 2014-15થી હજુ સુધી ભારતે 46 પૈકી 26 ટેસ્ટ મેચો જીતી છે. આ ગાળા દરમિયાન ભારતીય ટીમ ટેસ્ટમાં પહેલા નંબર પર પહોંચી ગઇ છે. સ્થાનિક મેદાનમાં શાનદાર દેખાવની સાથે સાથે ભારતે કેટલાક નવા રેકોર્ડ સર્જી દીધી છે. છેલ્લા 15 ટેસ્ટ મેચો પૈકી ભારતે 11 ટેસ્ટ મેચમાં જીત હાંસલ કરી છે. ટેસ્ટ શ્રેણી આ વખતે પણ ભારત માટે પડકારરુપ છે. છેલ્લી ટેસ્ટ મેચોના ભારતના ફોર્મને જોતા ચાહકો અપેક્ષા રાખી રહ્યા છે કે, ટીમ આ વખતે ઓસ્ટ્રેલિયાને પરાજિત કરવામાં સફળ રહેશે. સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નર જેવા બે મુખ્ય ખેલાડી ટીમમાં નથી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer