અવનિને ઇરાદાપૂર્વક ઠાર મારવામાં આવેલી

સ્વતંત્ર તપાસ સમિતિએ કહ્યું કે આખું અૉપરેશન પ્લાનિંગ વગરનું હતું
 
મુંબઈ, તા. 6 : મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લામાં ઠાર મારવામાં આવેલી અવનિ વાઘણના મોતની તપાસ કરવા માટે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન અૉથોરિટીના નેજા હેઠળ રચવામાં આવેલી સ્વતંત્ર સમિતિએ એવો અહેવાલ આપ્યો છે કે અવનિને ઇરાદાપૂર્વક ઠાર મારવામાં આવેલી જે વાહનમાં શિકારી હતો તે વાહનથી અવનિ દૂર જઈ રહી હતી ત્યારે તેના પર ગોળી ચલાવવામાં આવી હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે. અવનિને બેભાન કરવા જે તીર છોડાયું હતું તે પ્રોસેસ પણ બરાબર ન હતું અને એ ગેરકાયદે હતું.
તપાસ સમિતિએ કહ્યું છે કે અવનિ આગળ વધી રહી હતી ત્યારે 12.8 મીટરના અંતરેથી તેના પર તીર છોડાયું હતું. તેને તીર વાગ્યું હતું અને તેણે જીપમાંના લોકો સામે ઘૂરકવાનું શરૂ કર્યું હતું. તીર છોડાયું ત્યારે અવનિ રસ્તો ક્રોસ કરી રહી હતી. તેના ઘૂરકવાને લીધે જીપમાના લોકો સહેજ હચમચી રહ્યા હતા અને શિકારી અસગર અલી ખાને 3.5 સેકેન્ડની અંદર અવનિ પર ગોળી છોડી હતી અને તેને ઠાર મારી હતી. અહેવાલમાં જણાવાયું છે કે અવનિને સેલ્ફઝ ડિફેન્સમાં ગોળી મારવામાં આવી હતી એ દલીલ શંકાસ્પદ લાગે છે. ચાલતી જીપમાંથી ગોળી છોડવામાં આવી ત્યારે અવનિ રસ્તાના પેલે પાર હતી અને ઉતાવળમાં બિન-અનુભવી શિકારીએ ગોળી ચલાવી હતી.
અવનિ પર જેણે તીર છોડયું હતું તેનું કામ માત્ર અવનિ અને તેના બચ્ચાંને ઓળખી બતાવવાનું હતું. તીર મારવાનું કામ એનું ન હોવા છતાં તેણે અવનિને તીર માર્યું હતું. આ તીર પણ 56 કલાકના સમયગાળા બાદ છોડવામાં આવેલું.
અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે અવનિને 2 નવેમ્બરના દિવસના ભાગમાં અનેકવાર જોવામાં આવી હતી અને એ દરમિયાન તેને તીર મારીને બે શુદ્ધ કરી શકાઈ હોત. જોકે, એમ કરાયું ન હોતું. 
અવનિ અને એના બે બચ્ચાંને જીવતા પકડવા કોઈ સરખું પ્લાનિંગ કરવામાં આવ્યું નહોતું. અવનિનો શિકાર કરવા નીકળેલી ટીમમાં કોઈ વાઈલ્ડલાઈફ મૅનેજર નહોતો, પશુ ચિકિત્સક પણ નહોતો. અવનિને જો બેભાન કરાઈ હોત તો એ સંજોગોમાં રાખવી પડતી સામગ્રી પણ ટીમ પાસે નહોતી. રેપિડ રિસ્પોન્સ ટીમ પણ ઉપલબ્ધ નહોતી. આ બધું નેશનલ ટાઈગર કન્ઝર્વેશન અૉથોરિટીએ નક્કી કરેલી ગાઈડલાન્સની વિરુદ્ધમાં છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer