વિશ્વનાં 20માંથી ભારતનાં 17 શહેર ઝડપથી વિકસશે

સુરત દુનિયામાં ડંકો વગાડશે, ઓકસફર્ડનું તારણ : 2035 સુધીમાં રાજકોટ સહિતનાં શહેરોનો વેગવાન વિકાસ થશે
 
નવીદિલ્હી, તા. 6 : વર્ષ 2019થી 2035 વચ્ચે સમગ્ર વિશ્વનાં સૌથી ઝડપી વિકાસ કરનાર ટોચના 20માંથી 17 શહેરો સાથે ભારતનો દુનિયામાં ડંકો વાગશે. આ હરોળમાં આપણાં ગુજરાત રાજ્યનું મહાનગર સુરત શિરમોર રહેશે.
ઓકસફર્ડ ઇકોનોમિકસના અહેવાલમાં આ તારણ અપાયું છે. સુરત ઉપરાંત આ 17 ભારતીય શહેરોની યાદીમાં ગુજરાત તરફથી રાજકોટ શહેરનેય સ્થાન મળ્યું છે. ઓકસફર્ડના અભ્યાસ અનુસાર 2019થી 35ના ગાળા દરમ્યાન સુરત સરેરાશ 9.2 ટકાના સમગ્ર ઘરેલુ ઉત્પાદન (જીડીપી)ના દર સાથે સૌથી ઝડપી વિકાસ સાધશે.
ત્યારપછી આગ્રા, બેંગલોર, હૈદરાબાદ, નાગપુર, તીરૂપ્પુર, રાજકોટ, તિરૂચીપલ્લી, ચેન્નાઇ અને વિજયવાડા સહિતના ભારતીય શહેરો આ ગાળામાં સૌથી વધુ ગતિ સાથે વિકાસ કરશે.
આ અભ્યાસ નોંધે છે કે ભારત બહારનાં શહેરની વાત કરીએ તો કમ્બોડિયાની રાજધાની હનોમ પેન્હ 8.1 ટકાના સરેરાશ વ્યાપ સાથે ઝડપી વિકાસ સાધશે.
અલબત્ત 2035 સુધી ચીની, ઉત્તર અમેરિકી અને યુરોપીય શહેરોની તુલનાએ ભારતીય શહેરોનો સંયુકત જીડીપી ઓછો થશે. પરંતુ જીડીપી વિકાસના સંદર્ભમાં ભારતના શહેરોનું પ્રદર્શન પ્રભાવી રહેશે તેવું અભ્યાસ નોંધે છે. ઓકસફર્ડ ઇકોનોમિકસના અભ્યાસ અનુસાર અમેરિકી શહેર ન્યૂયોર્ક 2035માં વિશ્વની સૌથી મોટી શહેરી અર્થવ્યવસ્થા હશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer