પવઈનો ડુંગર ખોવાઈ ગયો

મુંબઈ, તા. 6 : ગોરેગામના ડુંગરમાં લાગેલી આગ હજી સંપૂર્ણ રીતે બુઝાઈ નથી ત્યારે પવઈમાં ડુંગર ખોવાયો હોવાની આશ્ચર્યજનક બાબત સામે આવી છે. એક સ્થાનિકે પોલીસ સ્ટેશનમાં ડુંગર ખોવાઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે. કેટલાક મહિનાઓ પહેલા પવઈનો ડુંગર લીલોછમ હતો. પરંતુ હવે આ ડુંગર અદૃશ્ય થઈ ગયો હોવાથી ડુંગર ખોવાયો હોવાની ફરિયાદ એક પર્યાવરણ પ્રેમીએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. 
કેટલાક મહિનાઓ પહેલા પવઈના આ ડુંગર પર અનેક ઝાડ અને લીલોતરી હતી. વિવિધ પશુ-પક્ષીઓ અને વન્યજીવો અહીં આવતા જતા હતા, તેવી માહિતી સ્થાનિકોએ આપી હતી. પરંતુ ગયા વર્ષે જેસીબી-ડમ્પરે આખા ડુંગર પરથી ઝાડ ઊખેડી નાંખ્યા હતા. કેટલાક ખાનગી ડૅવલપર અને ભૂમાફિયાઓએ પ્રશાસનના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને પર્યાવરણના બધા નિયમો અગાસીએ ચડાવી દીધા હોવાનો આરોપ લગાડયો હતો. તેટલું જ નહીં પણ પોતે જ પ્રદૂષણ નિયંત્રણ મંડળને સ્થાનિક પોલીસને અનિયમિતના વિરોધમાં કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. 
પોતાની સુખ સુવિધા માટે કુદરતી સંપત્તિનો નાશ કરીને આલિશાન ટાઉન બનાવવાની કિંમત ભવિષ્યની પેઢીને ભોગવવી પડશે તે બાબતે વિચાર કરવા જેવો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer