સપ્ટેમ્બરનું રૂા. 1310નું બિલ, નવેમ્બરમાં રૂા. 3100નું થયું

અદાણી ઇલેક્ટ્રિસિટીનાં બેફામ વીજબિલ સામે ગ્રાહકોની ફરિયાદને જન્મભૂમિ વાચા આપે છે
 
મુંબઈ, તા. 6 : અદાણી ઇલેક્ટ્રિસિટી કંપની તરફથી પરાં વિસ્તારના મુંબઈગરાઓને વીજળીના બેફામ બિલો મળતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. કેટલાંક ગ્રાહકો આની સામે આંદોલન કરી રહ્યા છે એની સરકારે ગંભીર નોંધ લીધી છે અને એમઇઆરસીએ પણ અદાણી ઇલેક્ટ્રિસિટીને નોટિસ ફટકારીને સ્પષ્ટતા માગી છે. `જન્મભૂમિ'માં વાચકોને પોતાના વીજળીના બિલોની કોપીઓ મોકલાવીને આવી ફરિયાદોને વાચા આપવામાં આવી રહી છે, આવા પરાવાસીઓનું કહેવું છે કે રિલાયન્સ ઇન્ફ્રા પાસેથી પરાં વિસ્તારનું ઇલેક્ટ્રિસિટી નેટવર્ક ખરીદ્યા બાદ અદાણી ઇલેક્ટ્રિસિટીએ વીજ પૂરવઠો આપવાનું શરૂ કર્યું છે ત્યારથી અમારા બિલોમાં બેફામ વધારો થયો છે.
બિલની રકમ ડબલ થઈ
અંધેરી (પૂર્વ)માં રહેતા અલ્પા શશીકાંત વસાણીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી અમારું વીજળીનું બિલ દર મહિને હજાર રૂપિયાની આસપાસ રહેતું હતું. પરંતુ જ્યારથી અદાણી ઇલેક્ટ્રિસિટીનું બિલ મળતું થયું છે ત્યારથી બિલની રકમ ડબલ થઇ ગઇ છે. છેલ્લા બે મહિનાથી ઘરનું વીજળીનું બિલ બે હજાર રૂપિયાથી વધુ રકમનું આવે છે.
અધધધ... બિલ
વિલે પાર્લે (પૂર્વ)માં રહેતા ચંદ્રકાંત શાહના જણાવ્યા પ્રમાણે અૉગસ્ટમાં રિલાયન્સ તરફથી છેલ્લું બિલ 1,310 રૂપિયાનું આવ્યું હતું. ત્યાર બાદ અદાણીના બિલો મળતા થયા જેમાં ત્રણ મહિનામાં સતત બેફામ વધારો થયો છે. 
સપ્ટેમ્બરમાં અદાણી તરફથી મળેલું પહેલું બિલ 2,040 રૂપિયાનું હતું. અૉક્ટોબરમાં આ રકમમાં સીધો 900 રૂપિયાનો વધારો ઝિંકાયો અને બિલની રકમ હતી 2,940 રૂપિયા. નવેમ્બર મહિનામાં તો આંકડો ત્રણ હજારને પાર પહોંચ્યો અને બિલ આવ્યું 3,100 રૂપિયાનું. છેલ્લા ત્રણ મહિનામાં એસીની જરૂર ન હોવાથી અમે તેનો વપરાશ જ નથી કર્યો છતાં આટલી રકમના બિલો સતત ફટકારવામાં આવે છે. આ અન્યાય છે. ફરિયાદોના જવાબ નથી મળતા. જો બિલ ભરવામાં ન આવે તો વીજ જોડાણ કપાઇ જવાનો ડર લાગે છે.
બૅચલરનું બિલ પણ પચાસ ટકા વધ્યું 
સાયન-વડાલા લિંક રોડ પર રહેતા પારસ શાહે કહ્યું હતું કે સપ્ટેમ્બરમાં રિલાયન્સ તરફથી છેલ્લું બિલ મળ્યું તે 340 રૂપિયાનું હતું અને અૉક્ટોબરથી અદાણીના બિલ મળવાનું શરૂ થયું ત્યારથી પાંચસો રૂપિયાથી વધુનું બિલ આવે છે. હું ફ્લેટમાં એકલો જ રહું છું અને વહેલી સવારથી મોડી રાત સુધી કામસર બહાર જ હોઉં છું. ઘરમાં રેફ્રિજરેટર, ગિઝર, એસી કે વૉશિંગ મશિન જેવા કોઇ જ ઇલેક્ટ્રિક ઉપકરણો નથી. દર મહિને મિનિમમ રકમનું બિલ આવતું હતું પરંતુ હવે અચાનક તેમાં 75થી 80 ટકાનો વધારો થયો છે, જે સમજાતો નથી.
ઉનાળામાં શું થશે?
ઘાટકોપરની કામા લેનમાં રહેતા શારદાબેન અજમેરાના જણાવ્યા પ્રમાણે રિલાયન્સ તરફથી દર મહિને સરેરાશ હજાર કે બારસો રૂપિયાનું વીજળીનું બિલ મળતું હતું પરંતુ અદાણી તરફથી અૉક્ટોબરમાં 2,590 રૂપિયાનું બિલ મળતા અમે ચોંકી ગયા હતા.
આ સંબંધે ફરિયાદ કરી પરંતુ કોઇ સાનુકુળ પ્રત્યુત્તર નથી મળ્યો. નવેમ્બરનું બિલ પણ 2,100થી વધુ આવ્યું છે. એક તરફ મોંઘવારીમાં સામાન્ય જનતા પીસાઇ રહી છે તેમાં હવે શિયાળામાં મોટી રકમના વીજળીના બિલો આવે તો ઉનાળામાં વીજ વપરાશ માટે કેટલાં ચૂકવવા પડશે એની કલ્પના જ કરવી રહી. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer