ફિલ્મ `રામ જન્મભૂમિ''ની રજૂઆત બૉમ્બે હાઈ કોર્ટે અટકાવી

યુટયૂબ પરથી ફિલ્મનું ટ્રેલર પણ હટાવવાનો આદેશ 
 
મુંબઈ, તા.6 : ફિલ્મ `રામ જન્મભૂમિ'ની રજૂઆત સેન્સર બૉર્ડનું સર્ટિફિકેટ ન મળે ત્યાં સુધી અટકાવી દેવાનો તેમ જ આ ફિલ્મનું ટ્રેલર યૂટયૂબ પરથી હટાવી દેવાનો આદેશ બૉમ્બે હાઈ કોર્ટે આજે આપ્યો હતો. 6 ડિસેમ્બર 1992ના અયોધ્યામાં રામ જન્મભૂમિના કથિત સ્થળે આવેલી વિવાદાસ્પદ બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી અને આજે છ ડિસેમ્બરે જ આ ફિલ્મની રજૂઆતની નિર્માતાઓની યોજના હતી. કથિતપણે આ ફિલ્મમાં બાબરી મસ્જિદ ધ્વંશની પશ્ચાદભૂમિમાં હિંદુ અને મુસ્લિમ સમુદાયના ધ્રુવીકરણનો મુદ્દો દર્શાવાયો છે. 
સામાજિક કાર્યકર અઝહર તંબોલીની અરજીની સુનાવણી હાઈ કોર્ટના જજ બી પી ધર્માધિકારી અને જજ એસ વી કોટવાલની ખંડપીઠે કરી હતી. તંબોલી તરફથી વકીલો હસનૈન અને રાઇદ કાઝી કોર્ટમાં હાજર હતા. અરજીમાં જણાવાયું હતું કે આ ફિલ્મના પોસ્ટર અને ટ્રેલરના કારણે ધાર્મિક લાગણી દુભાઇ રહી છે. 
અરજીમાં કહેવાયું હતું કે ટ્રેલર ઉશ્કેરણીજનક છે, તેમાં કોમવાદ અને અશાંતિ ઊભી થાય એવું ચિત્રિકરણ અને ડાયલોગ્સ છે એટલું જ નહીં સિનેમેટોગ્રાફ ઍક્ટની કલમ નંબર પાંચ-બીનું ઉલ્લંઘન કરાયું છે. ટ્રેલરમાં બાબરી મસ્જિદ પર ભગવો ઝંડો ફરકતો દાખવાયો છે જેના કારણે કોમી તણાવ નિર્માણ થઇ શકે છે. કાયદાની દૃષ્ટિએ પણ આ ઇસ્લામની અવમાનના છે.
આ ફિલ્મના નિર્માતા અને લેખક વસીમ રિઝવી ઉત્તર પ્રદેશ શિયા સેન્ટ્રલ વક્ફ બૉર્ડના હોદ્દેદાર છે જ્યારે દિગ્દર્શક અને પટકથા લેખક સુરજ મિશ્રા સેન્સર બૉર્ડના ચીફ એક્ઝિક્યુટીવ અૉફિસર છે. આ બંને ઉપરાંત મહારાષ્ટ્ર અને કેન્દ્રના મંત્રાલય વિરુદ્ધ પણ આ અરજી કરવામાં આવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer