એન્ટિ કરપ્શન બ્યુરોના સુપરિન્ટેન્ડેન્ટ પર વિનયભંગનો આરોપ

તેમણે પોતાના હાથ નીચેની મહિલા સિપાહીને વશમાં કરવા ગજબની લાલચ આપેલી
 
શારીરિક સંબંધ બાંધીશ તો તને એક કરોડ રોકડા, પોશ એરિયામાં ફ્લૅટ અને આલીશાન ગાડી આપીશ
 
પુણે, તા. 6 : શારીરિક સંબંધ બાંધવા માટે એન્ટિ કરપ્શન બ્યુરોના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે મહિલા સિપાઈને એક કરોડ રૂપિયા રોકડા, પુણેમાં સારા વિસ્તારમાં આલીશાન ફ્લૅટ અને મોંઘી કારની અૉફર આપી હતી. જ્યારે આ મહિલાએ બધી જ અૉફરનો અસ્વીકાર કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને સુપરિન્ટેન્ડેન્ટ વિરુદ્ધ વિનયભંગનો ગુનો નોંધાવ્યો હતો. 
29 વર્ષીય પીડિત મહિલા સિપાઈ 2009માં નાગપુર ગ્રામીણ પોલીસ દળમાં ભરતી થઈ હતી. પછી 2016 માં એન્ટિ કરપ્શન બ્યુરો, પુણેમાં બદલી થઈ હતી. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ પ્રદ્મુમ્ન પાટીલ 2017માં આ વિભાગમાં ફરજ પર હાજર થયા હતા. મહિલાએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે, પાટીલે તેને કૅબિનમાં બોલાવીને મને તેમનો ખાનગી મોબાઈલ નંબર આપીને મને રાત્રે ફોન કરવાનું કહ્યું હતું અને આ વાત કોઈને ન જણાવવાની સૂચના પણ આપી હતી. મારા ઉપરી હોવાથી મેં શરૂઆતમાં વાત કરી હતી. પાટીલ બે જુદા જુદા નંબરથી મારી સાથે વાત કરતા હતા. કૉલ રેકર્ડ ન થાય એટલે થોડા સમય પછી વૉટ્સઍપ અને વીડિયોથી મારી સાથે વાત કરવાની શરૂઆત કરી હતી. એકવાર તેમણે ફોન પર તું સ્નાન કરતી હોય એ બતાવ એવી વિચિત્ર માગણી પણ કરી હતી. 
પાટીલને તેના વિરુદ્ધ ફરિયાદ થઈ હોવાની જાણ થતાં જ મંગળવારે સાંજથી તેઓ અૉફિસમાંથી ગાયબ થઈ ગયા હતા. તેઓ રજા મૂકીને તાત્કાલિક પુણેથી બહાર જતા રહ્યા હોવાની માહિતી મળી હોવાનું પોલીસે કહ્યું હતું.  અત્યારે પોલીસ તેમની શોધ કરી રહી છે. આ બાબતે પાટીલની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer